અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે અમરેલી તાલુકાની ગ્રામ પંચાયતોમાં સરપંચ પદની બેઠકોની નવી વારાફરતી ફાળવણી જાહેર કરી છે. ગુજરાત ગ્રામ પંચાયત સરપંચ ચૂંટણી નિયમો, ૧૯૯૪ તેમજ રાજ્ય ચૂંટણી આયોગના પત્રને ધ્યાને લઈને ત્રીજી સામાન્ય ચૂંટણી માટે આ ફાળવણી કરવામાં આવી છે. અમરેલી તાલુકાની કુલ ૫૭ બેઠકો પૈકી અનુસૂચિત જાતિ માટે ૯ બેઠકો અનામત રખાઈ છે. તેમાં સોનારીયા, ગાવડકા, માચિયાળા મોટા, કાઠમા, રાંઢીયા, ગોખરવાળા મોટા, વડેરા, ટીંબા-જશવંતગઢ જૂથ અને વાંકિયાનો સમાવેશ થાય છે. આ પૈકી પ્રથમ પાંચ બેઠકો સ્ત્રીઓ માટે અનામત છે. અનુસૂચિત આદિજાતિ માટે એક પણ બેઠક અનામત નથી.સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે ૧૮ બેઠકો અનામત રખાઈ છે, જેમાં કેરાળા, લાલાવદર, લાપાળીયા, માળીલા, માલવણ, રાજસ્થળી અને સાજીયાવદર સહિતની પંચાયતો છે. તેમાંથી ૯ બેઠકો પછાત વર્ગની સ્ત્રીઓ માટે અનામત છે.બાકીની ૩૦ બેઠકો બિન અનામત રખાઈ છે, જેમાં અમરાપુર, આંકડીયા, બાબાપુર, ચાંપાથળ, ફતેપુર, રંગપુર, તરવડા, ટીંબલા અને વિઠલપુર જેવી પંચાયતો સામેલ છે. તેમાંથી ૧૮ બેઠકો બિન અનામત મહિલાઓ માટે ફાળવાઈ છે. આ ફાળવણી સાથે ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની તૈયારીઓ વેગ પકડશે.અમરેલી જિલ્લાના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી વિકલ્પ ભારદ્વાજએ ગ્રામ પંચાયતોની ત્રીજી સામાન્ય ચૂંટણી માટે સરપંચપદની બેઠકોની વારાફરતી ફાળવણી જાહેર કરી છે. તા. ૨૩ ઓક્ટોબર ૨૦૨૫ના આદેશથી જિલ્લાના બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, કુંકાવાવ-વડિયા, લાઠી, લીલીયા, રાજુલા અને સાવરકુંડલા તાલુકાઓ માટે બેઠકો નક્કી કરવામાં આવી છે.આ ફાળવણી ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ-૫૧ અને ગુજરાત ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી નિયમો-૧૯૯૪ મુજબ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૨૦૧૫માં પ્રથમ અને ૨૦૨૧માં બીજી સામાન્ય ચૂંટણી માટે ફાળવણી થઈ હતી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે ૨૭ ટકા અનામતની જોગવાઈ પણ ધ્યાને લેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગના તા. ૧૪ ઓગસ્ટ ૨૦૨૫ના પત્ર મુજબ આ વારાફરતી ફાળવણી કરાઈ છે. જિલ્લામાં તાલુકાવાર કુલ સરપંચ બેઠકોની સંખ્યા આ પ્રમાણે છેઃ બગસરા ૩૪, ધારી ૫૭, જાફરાબાદ ૩૯, ખાંભા ૫૪, કુંકાવાવ-વડિયા ૪૫, લાઠી ૪૯, લીલીયા ૩૭, રાજુલા ૭૦ અને સાવરકુંડલા ૭૯ બેઠકો જાહેર કરાઈ છે.
પછાત વર્ગ અને બિન અનામત બેઠકો
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે બગસરામાં ૯, ધારીમાં ૧૮, જાફરાબાદમાં ૧૧, ખાંભામાં ૧૫, કુંકાવાવ-વડિયામાં ૧૨, લાઠીમાં ૧૩, લીલીયામાં ૧૦, રાજુલામાં ૧૯ અને સાવરકુંડલામાં ૨૧ બેઠકો અનામત છે. તેમાં પણ મહિલાઓ માટે અલગથી બેઠકો ફાળવાઈ છે. બાકીની તમામ બેઠકો બિન અનામત રહેશે, જેમાં સામાન્ય મહિલાઓ માટે પણ કેટલીક બેઠકો નક્કી કરાઈ છે.
અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકો
અનુસૂચિત જાતિ માટે બગસરામાં ૫, ધારીમાં ૮, જાફરાબાદમાં ૩, ખાંભામાં ૪, કુંકાવાવ-વડિયામાં ૬, લાઠીમાં ૪, લીલીયામાં ૩, રાજુલામાં ૫ અને સાવરકુંડલામાં ૬ બેઠકો અનામત રખાઈ છે. તેમાંથી મહિલાઓ માટે અલગ બેઠકો પણ નક્કી કરાઈ છે. ઉદાહરણ તરીકે, બગસરાના શાપર, વાઘણીયા નવા અને લુંધિયા ગામની બેઠકો અનુસૂચિત જાતિની મહિલાઓ માટે છે.અનુસૂચિત આદિજાતિ માટે જિલ્લાના તમામ તાલુકામાં એક પણ બેઠક અનામત નથી.





































