અમરેલી, વડિયા અને કુંકાવાવ તાલુકાના ૧૧૫ ગામોમાં તળાવો ઊંડા કરવાની હાથ ધરાયેલી જળસંચય પહેલના પરિણામે વરસાદી પાણીનો સારો સંગ્રહ થયો છે અને અનેક તળાવો નવા નીરથી છલકાઈ ઊઠ્યા છે. રાજ્યના કાયદા અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ બરવાળા બાવળ, બાંટવા દેવળી, વડિયા, ઢૂંઢિયા પીપળીયા, ખાન ખીજડીયા, મોરવાડા અને ખજૂરી ગામોની મુલાકાત લઈને ગ્રામજનો સાથે નવા નીરના વધામણા કર્યા હતા. તેમણે જણાવ્યું કે ગામદીઠ ૬૦૦ કલાક હિટાચી મશીનથી તળાવો ઊંડા કરાતા વરસાદી પાણીનો સંગ્રહ વધ્યો છે, જેના કારણે ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે. તેમણે જણાવ્યું કે પાણીનો આ સંગ્રહ સમગ્ર જીવસૃષ્ટિ માટે પણ લાભદાયી બનશે. વડીયા ખાતે ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ ૨ હજાર વૃક્ષો વાવવા સ્થળ નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે જિલ્લામાં કુલ ૫૧ હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









































