રાજય સરકાર દ્વારા અમરેલી એસ.ટી.ડિવિઝનના મુસાફરોને વધુ આરામદાયક સુવિધા મળે માત્ર એક માસમાં ર૭ નવી બસ આપવામાં આવી છે. જેથી હવે મુસાફરોને સારી સુવિધાયુકત બસમાં મુસાફરી કરી શકશે. રાજય સરકારે અમરેલી એસ.ટી.ડિવિઝનના૬ ડેપોમાં કુલ ર૬ નવી બસ આપવામાં આવી છે. અમરેલી એસ.ટી.ડિવિઝનમાં જુની ખખડધજ દોડતી બસ હવે ભુતકાળ બનવા પામી છે. રાજય સરકાર દ્વારા સમયાંતરે નવી બસની ફાળવણી કરવામાં આવી રહી છે. જેથી ડિવિઝનના તમામ ડેપોમાં સમયાંતરે નવી બસનું આગમન થઈ રહ્યુ છે. આ બાબતે વિભાગીય નિયામક ભાવેશ પટેલએ જણાવ્યું હતુ કે, સરકાર તરફથી મળતી નવી બસ રૂટ સાથે જે તે ડેપોને ફાળવવામાં આવે છે જેમાં ખાસ કરીને લાંબા અંતરમાં એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી રહી છે અને એક્સપ્રેસમાં દોડતી બસને લોકલ ફાળવવામાં આવી રહી છે જેથી ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને પણ સારી બસ સુવિધાનો લાભ મળી શકે. સપ્ટેમ્બર મહિનામાં જ અમરેલી ડેપોને ૧૦, સા.કુંડલા ડેપોને ૬, બગસરા ડેપોને પ, રાજુલા ડેપોને ૪ અને ધારી-ઉના ડેપોને ૧-૧ બસ ફાળવવામાં આવી છે.




































