અમરેલીમાં માતાજીના ભુવા બનવા બાબતે ચાલી રહેલા મનદુઃખમાં એક પુરુષ પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને ઢીકાપાટુનો મૂઢ માર પણ મારવામાં આવ્યો હતો. બનાવ અંગે ધીરૂભાઈ નરશીભાઈ માથાસુળીયા (ઉં.વ.૬૫)એ દેવાભાઈ રૂડાભાઈ માથાસુળીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગતો અનુસાર, ફરિયાદીના પિતાજી ભુવા હતા. તેમના અવસાન બાદ આરોપીને ભુવા બનવું હતું, પરંતુ ફરિયાદી પોતે માતાજીના ભુવા બનતાં આરોપીએ તેનો ખાર રાખ્યો હતો. આ અદાવતમાં આરોપીએ ફરિયાદીને ગાળો આપી, રસ્તામાં રોકીને પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાં શરીરે ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો. આ ઉપરાંત છરી વડે જીવલેણ હુમલો કરી, મારી નાખવાના ઇરાદાથી માથાના ભાગે ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન. બી. ભટ્ટ વધુ તપાસ ચલાવી રહ્યા છે.










































