ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની સૂચના અન્વયે અમરેલી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ રાજુલા તાલુકાના ઝાંપોદર ગામે વાવાઝોડા સંદર્ભે મોકડ્રિલ યોજાઈ હતી. જેમાં વિવિધ વિભાગો દ્વારા આપત્તિ સમયે બચાવ અને રાહત કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. મોકડ્રિલ દરમિયાન જોખમી વિસ્તારમાંથી નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડી સરકારી શાળામાં આશ્રય આપવાની કામગીરી કરવામાં આવી હતી. વાવાઝોડાથી રસ્તા પર વૃક્ષો ધરાશાયી થતાં માર્ગ ખુલ્લો કરવાની કામગીરી પણ દર્શાવવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર આપવાની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. નાગરિકોને સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા માર્ગદર્શન અપાયું હતું. આ આયોજનમાં ફાયર વિભાગ, પોલીસ, શિક્ષણ વિભાગ, આપદા મિત્ર, મામલતદાર કચેરી, પોર્ટ ઓફિસ જાફરાબાદ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.









































