આગામી દશેરા અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજુલાના ડેપ્યુટી કલેક્ટર દ્વારા ફરસાણના વેપારીઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓ અને શહેરના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તહેવારો દરમિયાન ગ્રાહકોને યોગ્ય ભાવે તાજું અને ગુણવત્તાયુક્ત ફરસાણ મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. વેપારીઓને મનસ્વી ભાવ ન લેવા અને ગ્રાહકોને કોઈ અગવડતા ન પડે તેની તકેદારી રાખવા જણાવાયું હતું. જાહેર માર્ગો પર અવરજવરમાં અડચણ ન થાય તે રીતે વેપાર કરવા પણ સૂચના અપાઈ હતી. તહેવારોમાં નાગરિકોના હિતનું રક્ષણ થાય અને શહેરમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.









































