અમરેલી શહેરમાં પ્રેમ પ્રકરણની શંકાના આધારે એક યુવક પર લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવાનો બનાવ સામે આવ્યો હતો. આ હુમલામાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે જેનિલસિંહ ભુપતસિંહ જનવારે પ્રિયાંશ અને વત્સલ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, રાજ સોંદરવાની ગર્લફ્રેન્ડ સાથે તેમને પ્રેમ સબંધની હોવાની શંકા હતી, જે બાબતે તેઓને સમાધાન થઇ ગયું હતું. તેમને સાહેદ સોહમે કોઇની સાથે ફોનમાં વાત કરાવતા ફોનમાં ગાળા ગાળી થઈ હતી અને બાદ બંને આરોપીઓ કાર લઇને તેમની પાસે આવ્યા હતા અને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યા હતા. તેમણે ગાળો દેવાની ના પાડતા બંન્ને એકદમ ઉશ્કરાઇ ગયા હતા અને ઢીકા પાટુનો મુંઢ માર મારવા લાગ્યા હતા. પ્રિયાંશે કારમાંથી લોખંડનો પાઇપ લઇ આવી તેમને આડેધડ પાઇપના ઘા માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની તથા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી માથામાં હેમરેજ જેવી ગંભીર ઇજા કરી હતી તથા મુંઢ ઇજાઓ કરી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન બી ભટ્ટ વધુ તપાસ કરી રહ્યા છે.





































