અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં દારૂ અને બિયરના ગેરકાયદેસર વેચાણ સામે પીસીબી(ક્રાઈમ પ્રિવેન્શન બ્રાન્ચ)એ મોટી કાર્યવાહી કરી છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે મોટી માત્રામાં વિદેશી બિયર જપ્ત કરી અને એક વ્યક્તિને જેલમાં ધકેલી દીધો.
પીસીબી ટીમને માહિતી મળી હતી કે સરદારનગર વિસ્તારમાં રવિદર્શન મહાત્મા ગાંધી કોલોનીમાં એક ઘરમાં મોટા પ્રમાણમાં દારૂ છુપાયેલો છે.આ માહિતીના આધારે પોલીસે ઓચિંતો દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન, ઘરમાં વિદેશી બિયરનો મોટો સ્ટોક મળી આવતા પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ.
પોલીસે ઘટનાસ્થળેથી વિદેશી બિયરના કુલ ૩૩૩ ટીન જપ્ત કર્યા. કુલ ૭૯,૭૦૦ ની કિંમતનો બિયર અને અન્ય દારૂ જપ્ત કરવામાં આવ્યો. ઘરના માલિક પવન ભવરલાલ સોલંકી (ઉંમર ૨૨) ની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી છે.
આ પહેલા અમદાવાદના એક કેફેમાં હુક્ક્‌બાર ચાલતો હોવાની માહિતી પીસીબીપોલીસને મળી હતી. જેને આધારે પોલીસે સરખેજ વિસ્તારમાં આવેલા બ્રુ રોસ્ટ કેફેમાં દરોડો પાડ્યો હતો. તપાસમાં આ કેફેમાં ગેરકાયદે હુક્કાબાર ચાલતો હોવાનું બહાર આવ્યું હતું.
અહીંથી પોલીસે દરોડા દરમિયાન નિકોટીનયુક્ત હુક્કાના ફ્લેવર કબજે કર્યા હતા. આ હુક્કાબાર કોણ ચલાવતું હતું તથા કેટલા સમયથી ચાલતું હતું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.