અમરેલીમાં એક અત્યંત કરુણ અને આઘાતજનક ઘટના સામે આવી હતી. પેટમાં અસહ્ય દુખાવાને કારણે સારવાર માટે બાઈક પર જઈ રહેલા એક યુવાન ચાલુ બાઈક પરથી નીચે પટકાતા તેમનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે વિમલભાઇ રાજુભાઇ જોગી (ઉ.વ.૩૨) એ જાહેર કર્યા મુજબ, અનિલભાઇ મહેન્દ્રભાઇ જોષીને ઝાડા થઈ ગયા હોવાથી પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. આથી, તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે તેને તેમની પોતાની મોટરસાયકલ સ્પ્લેન્ડર (નંબર GJ-૧૪-AS-૭૮૯૧) પર પાછળ બેસાડીને નીકળ્યા હતા.મરણ જનાર યુવાન બાઈક પર એક બાજુની સાઈડમાં બેઠેલા હતા. રસ્તામાં અચાનક તબિયત વધુ લથડતા અથવા અસહ્ય દુખાવાને કારણે તેઓ ચાલુ બાઈક પરથી નીચે પટકાયા હતા. નીચે પડ્યા બાદ તેઓ કંઈ પણ બોલી શકતા નહોતા અને બેભાન થઈ ગયા હતા. ઘટનાને પગલે તેમને તાત્કાલિક પ્રથમ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની સ્થિતિ વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે અકસ્માતે મોતના ગુનાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી. બીમારીની હાલતમાં દર્દીને લઈને જતી વખતે સર્જાયેલી આ દુર્ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.








































