સમગ્ર દેશમાં ૨૬મી જાન્યુઆરીએ ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વડીયા-કુંકાવાવ તાલુકા કક્ષાનો કાર્યક્રમ સનાળી ગામે અને વડીયાનો સ્થાનિક કાર્યક્રમ ગ્રામપંચાયત સંચાલિત સુરગવાળા હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. જોકે, આ કાર્યક્રમમાં વડીયાની સરકારી કોલેજની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. સુરગવાળા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ રંગારંગ કાર્યક્રમમાં વડીયાની તમામ ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આશ્ચર્યજનક રીતે, આ જ કેમ્પસમાં બેસતી સરકારી આટ્ર્સ, કોમર્સ અને સાયન્સ કોલેજના આચાર્ય, પ્રોફેસરો, વહીવટી સ્ટાફ કે વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રીય પર્વમાં ક્યાંય જોવા મળ્યા ન હતા. સામાન્ય રીતે સવારે ૮ઃ૦૦ કલાકે ખુલતું કોલેજ કાર્યાલય પ્રજાસત્તાક પર્વના દિવસે પણ બંધ હાલતમાં અને તાળા મારેલું જોવા મળ્યું હતું.










































