લાઠી-બાબરા-દામનગર વિધાનસભા મતવિસ્તારમાં વિકાસકાર્યોને વેગ મળી રહ્યો છે. ત્યારે લાઠી તાલુકાના ભાલવાવથી ગારીયાધાર તાલુકાના મોટી વાવડી ગામને જોડતા કાચા માર્ગને પાકા ડામર રોડમાં પરિવર્તિત કરવા રૂ. ૫.૫૦ કરોડની મંજૂરી મળી છે. ધારાસભ્ય જનક તળાવીયાની સતત રજૂઆતો અને પ્રયાસોના પરિણામે આ મંજૂરી મળતા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે. વર્ષોથી કાચા રસ્તાને કારણે લોકોને ખાસ કરીને ચોમાસામાં ભારે હાલાકી પડતી હતી. હવે રોડનું કામ પૂર્ણ થતાં ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને વાહનચાલકોને અવરજવરમાં મોટી રાહત મળશે. બંને તાલુકાના ગ્રામ્ય વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી પણ મજબૂત બનશે. આ મહત્વપૂર્ણ વિકાસકામની મંજૂરી બદલ ભાલવાવ, મોટી વાવડી સહિત આસપાસના ગ્રામજનોએ ધારાસભ્ય જનક તળાવીયાનો આભાર વ્યક્ત કર્યો છે.







































