રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભરતભાઈ ગોહિલ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા પોલીસ મથક ખાતે એક ભવ્ય અને ભાવસભર વિદાય સમારંભ યોજાયો હતો. સરકારી સેવામાં નિવૃત્તિ એ અનિવાર્ય પ્રક્રિયા હોવા છતાં, સાથી કર્મચારીઓ માટે આ ક્ષણ અત્યંત સંવેદનશીલ બની રહી હતી. ભરતભાઈએ ૧૬ જુલાઈ ૧૯૯૪થી પોલીસ વિભાગમાં કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તેમણે ૩૨ વર્ષના લાંબા સેવાકાળ દરમિયાન બગસરા, ધારી અને સાવરકુંડલા જેવા વિવિધ સ્થળોએ પોતાની ફરજ નિભાવી હતી. રાજુલા પી.આઈ. કોલાદરા સાથે અગાઉ અનેક સ્થળોએ કામ કર્યું હતું અને આજે તેમના હસ્તે જ વિદાય લીધી હતી. સ્ટાફ દ્વારા શાલ અને શ્રીફળ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. નિવૃત્તિના આ પાવન અવસરે પરિવાર દ્વારા તુલસીશ્યામ ધામ ખાતે ધજા ચડાવવામાં આવી હતી.










































