રાજુલા અને જાફરાબાદ તાલુકામાં દસ દિવસ સુધી ધામધૂમથી ઉજવાયેલા ગણેશોત્સવનું અનંત ચતુર્દશીના દિવસે ભવ્ય સમાપન થયું હતું. આ વર્ષે તાલુકાના ૨૦૦થી વધુ પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, જ્યાં ભક્તોએ દસ દિવસ સુધી સત્યનારાયણ કથા, ભજન-કીર્તન, સત્સંગ અને અન્નકૂટ દર્શન જેવા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. વિસર્જન દિવસે ભક્તોએ રાસ-ગરબા, ઢોલ-નગારા અને પૂજન-આરતી સાથે વિસર્જન યાત્રા કાઢી હતી. યાત્રા શહેરના મુખ્ય ચોક, કુંભારવાડા, સંઘવી ચોક, હોળિયા હનુમાન મંદિર ચોક અને અંબામાતા મંદિર સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી. હજારોની સંખ્યામાં ભક્તો જોડાતા સમગ્ર શહેર ‘ગણપતિ બાપા મોરિયા’ના નાદથી ગુંજી ઉઠ્‌યું હતું.