ભરૂચના વાલિયા તાલુકાના એક ગામમાં રહેતી ૫ વર્ષની બાળકીનું અજાણ્યા ઇસમ દ્વારા અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આરોપીએ બાળકીને ચોકલેટ અને ખાવાની વસ્તુઓ આપવાની લાલચ આપી પોતાના સાથે લઈ ગયો હતો. બાદમાં ગામની સીમ વિસ્તારમાં લઈ જઈ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા બાદ બળાત્કાર કર્યો હતો.
ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. બનાવ અંગે વાલિયા પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી તપાસ શરૂ કરી હતી.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. લોકલ પોલીસ સાથે એલસીબી અને એસ.ઓ.જીની કુલ ૬થી ૭ ટીમો તહેનાત કરવામાં આવી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેÂક્નકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. તપાસ દરમિયાન આરોપીની ઓળખ માંડવી તાલુકાના વાગનેરા ગામના રહેવાસી ૫૧ વર્ષીય રાજુ શાંતિલાલ ગામીત તરીકે થઈ હતી. પોલીસે તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ દ્વારા બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું છે અને તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આરોપીને કાયદેસરની સજા મળે તે માટે મજબૂત કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. લોકોમાં આક્રોશ સાથે બાળ સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. પોલીસ દ્વારા આરોપીને ઝડપી પકડી પાડવામાં આવ્યો હોવા છતાં, આ પ્રકારની ઘટનાઓ સમાજ માટે ચિંતાજનક હોવાનું સ્પષ્ટ થાય છે.
હાલ પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે. મહત્વનું છે કે આવા ગુનાઓ સામે કડક પગલાં લેવામાં આવે અને સમાજમાં સુરક્ષાનો માહોલ ઉભો કરવામાં આવે જેથી આવી ઘટનાઓ પર અંકુશ લાવી શકાય.








































