કડીમાં આયોજિત એક જાહેર સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મતદારોને સંબોધ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં તેમણે મતદારોને સામાજિક ઉદાહરણો આપી ભાજપના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે સભામાં એક ખૂબ જ માર્મિક વાત કરી હતી. નીતિન પટેલે કહ્યું કે, “જેમ આપણે આપણી દીકરી પરણાવતી વખતે સામેવાળાના ઘરની પ્રતિષ્ઠા, સંસ્કાર અને વેવાઈની ઓળખ તપાસીએ છીએ, બરાબર તેમ જ મત આપતી વખતે પણ ઉમેદવારને પારખવા જાઈએ.”
તેમણે ભાજપના ઉમેદવાર મયંક પટેલ ની તરફેણ કરતા જણાવ્યું હતું કે વોટિંગ કરતી વખતે તમારે ઉમેદવારની શિક્ષા અને સંસ્કાર જાવા જરૂરી છે. ભાજપે આ વખતે કડીની આ બેઠક પર એક યુવાન, શિક્ષિત અને સેવાભાવી ચહેરાને તક આપી છે. કોંગ્રેસ પાસે હવે કોઈ વિઝન નથી, તે માત્ર ‘રમણભમણ’ થઈ ગઈ છે.
કડીમાં ચૂંટણી સભા દરમિયાન પૂર્વ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે રાજ્યની કાયદો અને વ્યવસ્થા અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરખામણી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે કરતા જણાવ્યું કે ભલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સ્વભાવે મૃદુ અને નમ્ર છે, પણ જરૂર પડ્યે તેઓ હવે યોગી આદિત્યનાથ જેવા કડક પણ બની ગયા છે. અસામાજિક તત્વો માટે આ સરકારમાં કોઈ સ્થાન નથી.” તેમણે ઉમેર્યું કે ગૃહમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં પોલીસ વિભાગ સતર્ક છે. જા કોઈ ગુંડા તત્વો કે લુખ્ખાઓ સામાન્ય જનતાને હેરાન કરશે કે છેડતી કરશે, તો તેમને બક્ષવામાં આવશે નહીં.
નીતિન પટેલે ચૂંટણીમાં મતદારોને રીઝવવા અપાતી લાલચો પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “મેં સાંભળ્યું છે કે કોંગ્રેસવાળા સાડીઓ અને પૈસા વહેંચવાના છે. બહેનો અને મતદારો ખાસ ચેતી જજા!” તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જા કોઈ આવી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા પકડાશે, તો ગમે તેવો વગદાર માણસ હશે તો પણ પોલીસ તેને જેલના સળિયા પાછળ ધકેલી દેશે.
નીતિન પટેલે ભાષણના અંતે તેમણે વિકાસના મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે દેશભક્તો માટે અત્યારે ભાજપ સિવાય બીજા કોઈ વિકલ્પ નથી. કોંગ્રેસની વાતોમાં કોઈ તથ્ય નથી અને તેમની કોઈ ‘ગેરંટી’ નથી, જ્યારે ભાજપના શાસનમાં જનતાને સુરક્ષા અને વિકાસની ‘ફુલ ગેરંટી’ મળે છે.