અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવડીયા ગામે આવેલ તળાવમાં ૧૩ વર્ષીય સગીર બાળક પાણીમાં ગરકાવ થયો હોવાની કંટ્રોલરૂમ ખાતે ટેલિફોનિક જાણ મળતાં જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઇનચાર્જ ફાયર ઓફિસર હિંમતભાઈ બાંભણિયાની આગેવાની હેઠળ ‘અમરેલી ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસ’ની ટીમ તાત્કાલિક સ્થળ પર ધસી ગઈ હતી.સ્થાનિક તળાવના ઊંડા પાણીમાં પોતાની સૂઝબૂઝ અને જીવના જોખમે ફાયર ફાઇટરોએ સતત ૪ કલાક સુધી આકરું અને સાહસપૂર્ણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અંતે, ભારે મહેનત બાદ બાળકનો મૃતદેહ શોધી બહાર કાઢવામાં આવ્યો હતો.મૃતકની ઓળખ મૂળ મોટા દેવડીયા ગામના ભરતભાઈ મેરામભાઈ બોહારીયા (ઉંમર આશરે ૧૩ વર્ષ) તરીકે થઈ છે. ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને ઉત્તર-પરીક્ષણ (પોસ્ટમોર્ટમ) અર્થે સ્થાનિક પોલીસ વિભાગને સોંપવામાં આવ્યો છે.આ જોખમી રેસ્ક્યુ કામગીરીમાં કર્મનિષ્ઠ કર્મચારીઓ સાગરભાઈ પુરોહિત, ભગવતસિંહ ગોહિલ, સવજીભાઈ ડાભી, જગદીશભાઈ ભુરીયા અને મહેન્દ્રસિંહ રાઠોડે અપ્રતિમ નિષ્ઠા અને સાહસનો પરિચય આપ્યો હતો.