સુરતની રાજકીય પરિસ્થિતિ ફરી એકવાર ગરમાઈ ગઈ છે. સી. આર. પાટીલ અને કોંગ્રેસના નિલેશ કુંભાણી વચ્ચે થયેલી તાજેતરની મુલાકાત બાદ રાજકારણમાં ચર્ચાનો માહોલ ઊભો થયો છે. ખાસ કરીને કોંગ્રેસે આ મુલાકાતને લઈ કડક પ્રતિક્રિયા આપી છે.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તામનીષ દોશીએ નિલેશ કુંભાણીને આડેહાથ લઈ અનેક ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ સાથે ગદ્દારી કરનાર નિલેશ કુંભાણીએ હવે પક્ષને સર્ટિફિકેટ આપવાનું બંધ કરવું જાઈએ. દોશીએ આક્ષેપ કર્યો કે કુંભાણી ભાજપ અને સી.આર.પાટીલની લખેલી સકીપ્ટ પર નાચી રહ્યા છે અને તેમની મજબૂરી તેમને મુબારક.
મનિષ દોશીએ સવાલ ઉઠાવ્યો કે ચૂંટણી સમયે થયેલી સોદાબાજી અંગે નિલેશ કુંભાણી કેમ જવાબ નથી આપતા? તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ પક્ષ તેના કાર્યકર્તાઓથી મજબૂત છે. અને નિલેશ કુંભાણી જેવા ઠગ લોકો કોંગ્રેસની ઓળખ નથી. દોશીએ કટાક્ષ કરતા કહ્યું કે નિલેશ કુંભાણીએ અરીસામાં પોતાનો ચહેરો જાઈ મૂલ્યાંકન કરવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન નિલેશ કુંભાણી સુરત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ બાદમાં તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું. તેમના ફોર્મ પરત ખેંચતા સુરત લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીને બિનહરિફ મળી હતી. આ ઘટનાને લઈને તે સમયે પણ ભારે વિવાદ થયો હતો. હવે સી.આર.પાટીલ સાથેની તેમની મુલાકાત બાદ કોંગ્રેસ ફરી આક્રમક બની છે અને કુંભાણી ભાજપના ઈશારે કામ કરે છે એવો આક્ષેપ કર્યો છે.
બીજી તરફ કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતા નિલેશ કુંભાણીએ પણ પોતાની વાત સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યું કે ૨૦૧૭માં તેમની ટિકિટ કાપી લેવામાં આવી હતી. તેમના મતેજ્યારે જીતવાની પૂરી શક્યતા હતી ત્યારે જ તેમની ટિકિટ કાપવામાં આવી હતી. જે તેમની સામે ગદ્દારી હતી. કુંભાણીએ દાવો કર્યો કે ૨૦૨૪માં જ્યારે જીતવાના કોઈ અણસાર નહોતા ત્યારે તેમને ટિકિટ આપવામાં આવી તેથી તેમણે ફોર્મ પરત ખેંચવાનો નિર્ણય લીધો.
તેમણે સવાલ કર્યો કે જા તેમને ગદ્દાર કહેવામાં આવે છે તો ૨૦૧૭માં ગદ્દારી કોણે કરી હતી? હાલ આ મામલે બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે અને રાજ્યના રાજકારણમાં નવી ગરમાવો આવી ગયો છે.










































