એક તરફ અમદાવાદમાં ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. બીજી તરફ શહેરના કુબેરનગર વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બનતા પોલીસ દોડતી થઇ ગઇ છે. ગત રાતથી આજે વહેલી સવાર વચ્ચે બનેલી આ ઘટનાનો તાગ મેળવવા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના સરદાર નગર પોલીસ સ્ટેશન હદમાં વિસ્તારમાં લૂંટ મર્ડરની ઘટના સામે આવી છે. રાત્રી દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી ચલાવેલી લૂંટ વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી દીધી. વૃદ્ધા ઘરમાં એકલા રહેતા હોવાથી તેમના ઘરને ટાર્ગેટ કરવામાં આવ્યો અને હત્યા બાદ ચોરી કરી આરોપી ફરાર થઈ ગયા. હાલ પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ભોગ બનનાર વૃદ્ધા છેલ્લા કેટલાક સમયથી એકલા રહેતા હતા તેની એકલતાનો લાભ લઈને આરોપીઓએ તેમના ઘરને નિશાન બનાવ્યું. મૃતક ૬૨ વર્ષના મહિલા છે, જેમનું નામ ભારતી બેન બજરંગી છે.
સવારના સમયે જ્યારે સ્થાનિક લોકો ત્યાંથી પસાર થતા હતા ત્યારે ઘરમાં સામાન વેરવિખેર પડેલો હતો. જેથી ઘરમાં કંઈક અજુગતું થયું હોવાની મૃતકના દીકરાઓને જાણ કરવામાં આવી હતી. જ્યારે તેમના દીકરા ઘરે પહોંચી તપાસ કરતાં તેમની માતાની હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી. પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, અંદાજે એક કલાક જેટલા સમયમાં મહિલાની હત્યા કર્યા બાદ ઘરમાં સોનાચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને જાતા સેક્ટર ૨ જેસીપી, ઝોન ૪ ડીસીપી,એસીપી અને પીઆઇ પણ ઘટના સ્થળ પર પહોંચીને ઘટનાનો તાગ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. જાકે જે પ્રકારનો રહેણાંક વિસ્તાર છે અને ત્યાં આ ઘટના બની છે તે જાતા કોઈ જાણભેદુ જ એ ઘટનાને અંજામ આપી શકે તેવું પોલીસને લાગી રહ્યું છે. પોલીસે ઘટનાની ગંભીરતાને જાતા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.