ધૂળેટીના દિવસે અમદાવાદમાંથી કરૂણ ઘટના સામે આવી છે. શહેરના વાડજ વિસ્તારમાં ટ્રેનની અડફેટે આવતા બે યુવકના મોત નીપજ્યા છે. ગાંધીધામ-અમદાવાદ ટ્રેનની અડફેટે બે યુવકોએ જીવ ગુમાવ્યા છે. વાડજ પોલીસે એક મૃતકની ઓળખ કરી લીધી છે જ્યારે અન્ય એક વ્યકિતની ઓળખ કરવામાં આવી રહી છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના નારણપુરા આદર્શ નગર પોલીસ ચોકી પાસે આવેલા રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે આવતા બે યુવાનના મોત નીપજ્યા છે. એક મૃતકની ઓળખ સત્યજિત શ્રીમાળી (ઉ.વ.૪૭) તરીકે થઈ છે. સત્યજીત શ્રીમાળી સ્વતંત્ર સેનાની નગરમાં રહેતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે, આ અકસ્માત સમયે સત્યજિતનો મોબાઈલ ફોન ચાલુ હતો અને તે કોઈની સાથે વાતચીતમાં મશગૂલ હતો. ફોન પર વાત કરતી વખતે ટ્રેનનો અવાજ ન સંભળાતા અથવા ધ્યાન ભટકતા તેઓ ટ્રેનની અડફેટે આવી ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. તેમનું સ્થળ પર મોત થયુ હતું. આ ગમખ્વાર અકસ્માતમાં અન્ય એક વ્યકિતનું મોત પણ નીપજ્યું છે. વાડજ પોલીસે મૃતક અન્ય યુવકની ઓળખ કરવા તજવીજ તેજ કરી.
આ અંગેની જાણ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. આ ગમખ્વાર ઘટના બનતા લોકોએ તાત્કાલિક પોલીસ અને ૧૦૮ને જાણ કરી દીધી હતી. વાડજ પોલીસે ઘટનાસ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના સરદાર નગર પોલીસ સ્ટેશન હદમાં વિસ્તારમાં લૂંટ મર્ડરની ઘટના સામે આવી છે. હોળીની રાત્રી દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી ચલાવેલી લૂંટ વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી દીધી. વૃદ્ધા ઘરમાં એકલા રહેતા હોવાથી તેમના ઘરને ટાર્ગેટ કરવામાં આવ્યો અને હત્યા બાદ ચોરી કરી આરોપી ફરાર થઈ ગયા. હાલ પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ભોગ બનનાર વૃદ્ધા છેલ્લા કેટલાક સમયથી એકલા રહેતા હતા તેની એકલતાનો લાભ લઈને આરોપીઓએ તેમના ઘરને નિશાન બનાવ્યું. મૃતક ૬૨ વર્ષના મહિલા છે, જેમનું નામ ભારતી બેન બજરંગી છે.






































