ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામે આવેલી પ્રાથમિક શાળાના પરિસરમાં દીપડાના પગના નિશાન મળી આવતા ગ્રામજનો અને બાળકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગે ગામના સરપંચ અને શાળાના શિક્ષકોએ તુરંત વન વિભાગને લેખિત જાણ કરી હતી. બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી વન વિભાગ તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું.ફોરેસ્ટ અધિકારી જે.સી. બાંભણિયાના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે દ્રોણ ગામે પહોંચી સ્થળ તપાસ કરી હતી. દીપડાની હાજરીની ખાતરી થતાં જ ખાસ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ભારે જહેમત બાદ દીપડાને સફળતાપૂર્વક પાંજરે પૂરી સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. વન વિભાગની આ ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળતાં સરપંચ અને ગ્રામજનોએ તંત્રનો આભાર માન્યો હતો અને જંગલી પ્રાણી દેખાય તો તુરંત વિભાગને જાણ કરવા અપીલ કરી હતી.







































