લાખો લોકોનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા ગરવો ગઢ ગીરનારમાં ગત ૫ ઓક્ટોબરે વહેલી સવારે એક જઘન્ય કૃત્ય સામે આવ્યું હતું. ગિરનાર પર્વતના ૬૦૦૦ પગથિયાં આસપાસ આવેલ ગોરખનાથ શિખર પર તોડફોડ કરવામાં આવી હતી અને ગોરક્ષનાથજીની મૂર્તિને ઉખેડી શિરચ્છેદ કરીને નીચે ખીણમાં ફેંકી દેવાનો અતિ સંવેદનશીલ બનાવ સામે આવ્યો હતો. હાલ જુનાગઢ પોલીસે આ પડકારજનક સ્થિતિમાં ઇન્વેસ્ટીગેશન કરીને માત્ર ૭ દિવસમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આ જઘન્ય કૃત્ય કરવા પાછળ બીજું કોઈ નહીં પરંતુ આ ઘટનાની અંગેની ફરિયાદ કરનાર મહંત મંદિરના પગારદાર પૂજારી મુંબઈના કિશોર શિવનદાસ કુકરેજા અને મંદિરનો પૂર્વ સેવક રમેશ હરગોવિંદ ભટ્ટ હોવાનું સામે આવતા આ ઘટનાએ માત્ર જુનાગઢમાં જ નહીં પરંતુ આખા ગુજરાતમાં ખળભળાટ મચાવ્યો છે.ગિરનાર પર્વત પર બનેલી આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો ગત તા. ૫ ઓક્ટોબરને રવિવારે સવારે ૪.૩૦થી ૫ વાગ્યાના અરસામાં ચાર અજાણ્યા ઇસમો દ્વારા ગોરક્ષનાથજીની મૂર્તિને ઉખેડીને મંદિરમાં તોડફોડ કરીને મૂર્તિને ખીણમાં ફેંકી દીધાની ઘટના સામે આવી હતી, જે અન્વયે પોલીસે મંદિરના મહંત યોગી સોમનાથજીની ફરિયાદ પરથી ભવનાથ પોલીસમાં ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો, અને આ બનાવ અતિ સંવેદનશીલ અને પડકારજનક હોય જેથી બનાવની તપાસ એલસીબી પી.આઈ. કૃણાલ પટેલને સોંપવામાં આવી હતી.તપાસ માટે ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ ચાલુ કરી હતી. જે તપાસ દરમિયાન આ કેસમાં મંદિર નજીક દુકાનમાં ફોટોગ્રાફર તરીકે કામ કરતા રમેશ ભટ્ટ તરફ શંકાની સોય વધુ દ્રઢ બનતા તેની પોલીસે આકરી અલગ અલગ રીતે પૂછપરછ કરતા અંતે રમેશ ભાંગી પડ્યો હતો અને વટાણા વેરી નાખ્યા હતા. આ ઘટનામાં બીજું કોઈ નહીં પરંતુ મંદિરમાં પગારદાર સેવક તરીકે કામગીરી કરતો કિશોર કુકરેજા અને તેની મદદગારીમાં રમેશ પોતે હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે બંનેની ધરપકડ કરીને આ કેસમાં અન્ય કોઈની મદદગારી છે કે કેમ તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.વધુમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી કિશોર અઢી વર્ષથી મંદિરમાં સેવાદાર હતો. દાનની રકમમાંથી ગેરરીતિ કરતો હતો અને આ ઘટના દ્વારા શ્રદ્ધાળુઓની સંખ્યા વધારી વધુ નફો મેળવવા ઈચ્છતો હતો. જેથી પોતે લાઇમલાઇટમાં આવે તો મંદિરની આવક વધે તે કારણોસર આવું જઘન્ય કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના વહેલી સવારે લગભગ ૪ વાગ્યાની આસપાસ બની હતી. મહંતના કહેવા અનુસાર, ત્રણથી ચાર વ્યક્તિઓએ અચાનક મંદિરમાં ઘુસીને આવ્યા અને તોડફોડ શરૂ કરવા લાગ્યા હતા. બાદમાં દરવાજા બંધ કરી પુજારીને અંદર પૂરી દેવાયા હતા અને ગોરખનાથ કલરના ઝભ્ભા અને લંગોટ પહેરેલા હતા, જે સ્પષ્ટ દેખાયું હતું.બંનેની કબૂલાત મુજબ, ગત તા.૪ના રોજ સાંજના આરતી પછી કિશોર મંદિરમાં અગાઉ સેવા કરી ચૂકેલા રમેશને ગોરખનાથજીની મૂર્તિ અને પાદુકાવાળા મંદિરમાં લઈ ગયો હતો, ત્યાંથી તેણે લોખંડની સ્ટીક ઉપાડી બહાર આવી ગોરક્ષનાથજીની મંદિરના કાચ તોડી નાખ્યા હતા અને ફરીથી સ્ટીક મંદિરમાં મૂકીને તાળું મારી દીધું હતું. બાદમાં મોડેથી ચાવી વડે તાળું ખોલીને ગોરક્ષનાથજીની મૂર્તિ બહાર કાઢી બંનેએ દીવાલ પરથી નીચે ફેંકી દીધી હતી અને કિશોરે કહ્યું કે, ‘સવારે હું તારી પાસે આવું ત્યારે તું તદ્દન અજાણ હોવાનો ઢોંગ કરશે તેવું કહ્યું હતું.’મંદિરના મહંતનો દરવાજા બંધ કરી મૂર્તિને ખંડિત કરી હોવાનો દાવો કરાયો છે. મંદિરની અંદર રહેલા મહંતે કહ્યું કે ત્રણથી ચાર લોકો સફેદ કલરનો ઝભ્ભો પહેર્યો હતો અને તેમના હાથમાં લોખંડની વસ્તુ હતી. અસામાજિક તત્વોએ મંદિરમાં પ્રવેશી તોડફોડ કરવાનું સામે આવ્યું છે, ત્યારે આ ઘટનાથી ભવનાથ ક્ષેત્રના મહંત શેરનાથ બાપુ સહિત સમગ્ર સંત સમાજમાં ઉગ્ર આક્રોશ ફેલાયો છે. મહંત સોમનાથ બાપુ સહિત અન્ય સાધુ સંતોએ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.આમ ગંભીર ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ ઉપરાંત નેત્રમ શાખાની મળીને ૧૦ જેટલી ટીમો કામે લાગી હતી. પર્વતની જૂની સીડી, નવી સીડી, રોપ-વે, તળેટી અને જુનાગઢ શહેરના કુલ ૧૫૬ જગ્યાના ઝ્રઝ્ર્ફ ફૂટેજ ચેક કરીને આ ઘટનાની તપાસ કરાઈ હતી, આટલું જ નહીં આ કેસની તપાસમાં ૫૦૦થી વધુ મોબાઇલમાં સીડીઆર ચેક કર્યા બાદ ટેકનિકલ સોર્સના માધ્યમથી ૫૦૦થી વધુ યાત્રાળુઓની હાજરી અંગે હકીકત તપાસાઈ હતી, જેમાંથી ૧૫૦ જેટલા યાત્રાળુઓ બહારના રાજ્યના સામે આવ્યા હતા. તેને તપાસવા જટિલ હોવા છતાં રોપ-વેની મુસાફરી કરનાર ૭૧ ગ્રુપનો ટેલિફોનિક સંપર્ક કરીને પૂછપરછ કરવામાં આવી હતી, સાથે ગિરનાર પર ભાર ઊંચકીને જતા ડોલીવાળા, દુકાનદારો સહિતના ૨૦૦થી વધુને ચેક કરવામાં આવ્યા હતા.









































