આસો નવરાત્રીના પાવન પર્વના પ્રથમ નોરતે કાગવડ સ્થિત ખોડલધામ ખાતે ભક્તિમય માહોલ સર્જાયો હતો. કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી સતત ૧૬મા વર્ષે પરંપરાગત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ પદયાત્રા દરમિયાન જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે ઉષ્માભર્યું મિલન જોવા મળ્યું હતું. પદયાત્રાના પ્રારંભ પહેલાં કાગવડ ગામના તત્કાલ હનુમાનજી મંદિર ખાતે માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. ત્યારબાદ સવારે ૯ વાગ્યે ડીજેના તાલે અને ગરબાની રમઝટ સાથે ‘જય મા ખોડલ’ના નાદ વચ્ચે પદયાત્રા પ્રસ્થાન થઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ ટીલાળા, પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, અનારબેન પટેલ સહિત ટ્રસ્ટના હોદ્દેદારો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.







































