અમરેલી જિલ્લામાં માનવ મૃત્યુના બનાવો બાદ બૃહદ ગીર અને રેવન્યુ વિસ્તારોમાં વન વિભાગ દ્વારા સિંહોને પાંજરે પૂરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વિવાદ સર્જાયો છે. અલગ-અલગ રેન્જમાંથી કુલ ૩૦ જેટલા સિંહોને પકડી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહીમાં મહુવા રેન્જમાંથી ૩, ખાંભા રેન્જના ચતુરી ગામ વિસ્તારમાંથી ૧૨, સાવરકુંડલા નજીક જુનાસાવર વિસ્તારમાંથી ૧, જસાધાર રેન્જમાંથી ૬, બગસરાના ઘટિયાણ વિસ્તારમાંથી ૪ તેમજ રાજુલાના કોવાયા નજીકથી ૪ અને હિંડોરણા નજીકથી ૨ સિંહોને પાંજરે પૂરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.માનવ મૃત્યુની ઘટનાના પગલે નિર્દોષ સિંહોને પણ પકડી લેવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે સિંહપ્રેમીઓએ નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે યોગ્ય ઓળખ અને વૈજ્ઞાનિક પ્રક્રિયા વિના સિંહોને પકડવાની કાર્યવાહી યોગ્ય નથી. જો આ સિંહોને ગીર જંગલમાં ખસેડવામાં આવશે તો ત્યાં પહેલેથી વસવાટ કરતા સિંહો સાથે ઘર્ષણ સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.સિંહપ્રેમીઓએ વાઇલ્ડ લાઇફ એક્ટ અને નિર્ધારિત એસઓપીનું પાલન થયા વગર કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે સરકાર અને વન વિભાગ સત્તાવાર સ્પષ્ટતા કરે તેમજ કાર્યવાહી કયા નિયમોના આધારે કરવામાં આવી રહી છે તે જાહેર કરવાની માંગ ઉઠી છે.
સિંહોને જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે ઃ વનઅધિકારી
આ સમગ્ર મામલે ગાંધીનગર ઁઝ્રઝ્રહ્લ જયપાલસિંહે જણાવ્યું હતું કે, સિંહોને પાંજરે નહીં પુરી રખાય, માનવ વસાહત વચ્ચે પણ નહીં મુકાય. જંગલ અથવા અન્ય વિસ્તારોમાં સિંહોને મુક્ત કરવામાં આવશે. જે સિંહોએ માણસ પર હુમલો કર્યો હશે તેને છોડવામાં નહીં આવે. પરંતુ, અન્ય સિંહોને મુક્ત કરવામાં આવશે.









































