અમરેલી શહેરમાં લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા અને જાહેર માર્ગો પર વધતા દબાણોને લઈને ઉઠતી ફરિયાદોને ધ્યાનમાં રાખી આજે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે સંયુક્ત રીતે મેગા દબાણ હટાવ અભિયાન હાથ ધર્યું હતું. સેન્ટર પોઇન્ટથી રૂપમ ટોકીઝના ઢાળ, ગઢીની રાંગ તેમજ લાઠી રોડ બાયપાસ સુધીના વિસ્તારોમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કામગીરી દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા.તંત્ર દ્વારા અગાઉથી સંબંધિત લોકોને નોટિસ આપવામાં આવી હતી. જેના કારણે મોટા ભાગના દબાણકારોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરી દીધા હતા. તેના પરિણામે કામગીરી ઝડપથી પૂર્ણ થઈ હતી. જોકે જ્યાં હજુ પણ દબાણો યથાવત હતા ત્યાં તંત્રએ જરૂરી સાધનોની મદદથી દબાણો દૂર કર્યા હતા. સમગ્ર અભિયાન દરમિયાન પોલીસ અને વહીવટી તંત્ર સતત સ્થળ પર હાજર રહ્યું હતું જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે.પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉથી નોટિસ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને મોટાભાગના લોકોએ નિયમોનું પાલન કરીને દબાણો દૂર કર્યા હતા. બાકી રહેલા દબાણો સામે આજે સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં ફરી દબાણ ઉભા ન થાય તે માટે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગને દર અઠવાડિયે સ્થળ નિરીક્ષણ કરવાની અને નવા દબાણ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ હાલની કામગીરી પૂર્ણ થયા બાદ બાયપાસ વિસ્તારમાં પણ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. તે પહેલા સંબંધિત લોકોને નિયમ મુજબ નોટિસ આપવામાં આવશે. જાહેર માર્ગો પર કોઈપણ પ્રકારના નવા દબાણને સહન કરવામાં આવશે નહીં તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી હતી. અમરેલી શહેરમાં અગાઉ પણ દબાણ દૂર કર્યા બાદ ફરીથી દબાણ થવાની ફરિયાદો અનેક વખત સામે આવી હતી. તેથી આ વખતે માત્ર દબાણ દૂર કરવાની કાર્યવાહી સુધી મર્યાદિત ન રહી નિયમિત દેખરેખ રાખવાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. સમગ્ર અભિયાનમાં અંદાજે પચાસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા જેમાં પોલીસના જવાનો ઉપરાંત નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગનો સ્ટાફ પણ ફરજ પર તૈનાત રહ્યો હતો. તંત્રનું માનવું છે કે આ કાર્યવાહીથી શહેરના મુખ્ય માર્ગો વધુ સુગમ બનશે અને વાહન વ્યવહારને પણ રાહત મળશે.