અમરેલી શહેરની સુખનિવાસ કોલોનીમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના ત્રીજા નોરતે અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માં અંબાની ભક્તિભાવ પૂર્વક આરતી ઉતારી અને સમગ્ર જિલ્લાની સુખ-શાંતિ તેમજ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટર હર્ષિતા ગોયલ, નાયબ કલેક્ટર જાડેજા અને પ્રતીક કુંભાણી સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધિકારીઓએ ગરબાના તાલે ઝૂમીને નવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. કલેક્ટર કચેરીના જનસંપર્ક અધિકારી, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર અને અમરેલીના મામલતદાર સહિત અન્ય અધિકારીઓ પણ આ ગરબા મહોત્સવમાં જોડાયા હતા. મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓની ઉપસ્થિતિએ મહોત્સવને ઉત્સાહભર્યો બનાવ્યો હતો.