શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી ઘૂસણખોરો વિરુદ્ધ અમદાવાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. ૨ જૂનની મોડી રાત્રે શરૂ થયેલા આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન શહેરમાંથી ૨૯૧ શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાંથી પ્રાથમિક તપાસમાં ૧૩૧ લોકો બાંગ્લાદેશી નાગરિક હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે.

રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે એક્શન લેવામાં આવ્યા છે. અમદાવાદ બાદ રાજકોટમાં ૧૫૦થી વધુ લોકો પકડાયા છે તો સુરતમાં પણ બાંગ્લાદેશીઓ સામે સ્ટ્રાઈક કરવામાં આવી છે. ભરૂચમાં પણ ચેકિંગ હાથ ધરાયું છે. ભરૂચમાં પણ પોલીસ વિભાગનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. શંકાસ્પદ લોકોના ઓળખ પુરાવા સહિતના દસ્તાવેજનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

રાજકોટ પોલીસે ૩૧ જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. તેમની પાસેથી આધારકાર્ડ , પાસપોર્ટ, વિઝા સહિતના ડોક્યુમેન્ટ્‌સની ચકાસણી શરૂ કરવામાં આવી છે. જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજકોટમાં કુલ કેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ? તેની વિગત પોલીસ ગૃહ વિભાગને સોંપશે. ઘુસણખોરીને લઈને રાજકોટ પોલીસ એલર્ટ મોડમાં દેખાઈ રહી છે. રાજકોટ પોલીસે ૧૫૦ જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરી હોવાની વાત સામે આવી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમોએ મોડી રાત્રે એકસાથે ત્રણ સંવેદનશીલ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. આ ઓપરેશન મુખ્યત્વે ચંડોળા તળાવ આસપાસના વિસ્તારો, ગુલાબનગર અને દાણીલીમડાનું ખોડિયારનગર વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન એટલું મોટું હતું કે તેમાં ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ સ્તરના પોલીસ કર્મચારીઓ પ્રત્યક્ષ હાજર રહ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા તમામ ૨૯૧ શંકાસ્પદ લોકોને ક્રાઇમ બ્રાન્ચના કેમ્પસમાં લાવવામાં આવ્યા છે. ત્યાં તેમના ઓળખપત્રો અને નાગરિકતા સંબંધિત દસ્તાવેજાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ ઓપરેશનમાં ૧૩૧ લોકો ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને ભારતમાં ઘૂસ્યા હોવાનું સાબિત થયું છે અને તેમને દેશનિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. અન્ય ૧૬૦ લોકોના દસ્તાવેજા શંકાના દાયરામાં છે, જેમની પૂછપરછ અને તપાસ હાલ સઘન રીતે ચાલી રહી છે.

અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે આ આખી ઝુંબેશ શહેરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દસ્તાવેજાની ચકાસણી માટે ચલાવવામાં આવી રહી છે. પકડાયેલા ઘૂસણખોરો ભારતમાં કેવી રીતે આવ્યા, કોણે તેમને નકલી દસ્તાવેજા બનાવવામાં મદદ કરી, તે તમામ દિશામાં ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને આગામી સમયમાં વધુ કડક કાનૂની પગલાં લેવામાં આવશે.