અમરેલી જિલ્લા ભાજપ તથા ટીમ સહકાર દ્વારા ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (આઈસીએ)ના ડિરેક્ટર તરીકે ચૂંટાયા બાદ પ્રથમવાર અમરેલી ખાતે આવતા દિલીપ સંઘાણીનું જિલ્લા ભાજપ અને વિવિધ સંસ્થાઓ દ્વારા અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતુ. ઈશ્વરીયા મહાદેવ અને સાંસદ પરશોતમભાઈ રૂપાલાના માતાને પગે લાગી દિલીપ સંઘાણીએ આર્શીવાદ મેળવ્યા હતા. અમરેલીના નાગનાથ મહાદેવ મંદિરે શીશ ઝુકાવ્યા બાદ તેમજ શહેરમાં આવેલી મહાનુભાવો અને સંતોની પ્રતિમાને હારાપર્ણ કર્યુ હતુ. શહેરીજનો દ્વારા જુદા-જુદા પોઈન્ટ પર દિલીપ સંઘાણીનું અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતુ. ઈશ્વરીયાથી જ ભવ્ય બાઈક રેલીનુ પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ. બાઈક રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી હતી અને જિલ્લા ભાજપ ખાતે ભાજપ અગ્રણીઓ અને શહેરીજનોની હાજરીમાં દિલીપ સંઘાણીનો અભિવાદન સમારોહ યોજાયો હતો. દિલીપ સંઘાણીની આંતરરાષ્ટ્રીય સ્તરે સહકારી ક્ષેત્રમાં થયેલી આ સિદ્ધિને લઈ કાર્યકરોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉર્જામંત્રી કૌશિક વેકરીયાએ ટીમ સહકાર અને સહકાર ક્ષેત્રે દિલીપ સંઘાણીના યોગદાનની વાત કરી હતી તો સાંસદ ભરત સુતરીયાએ શાયરીના અંદાજમાં દિલીપ સંઘાણીને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ શાબ્દીક સ્વાગત કરી દિલીપ સંઘાણીને અભિનંદન પાઠવ્યા હતા. ધારાસભ્ય મહેશ કસવાળાએ સંગઠન વિશે વાત કરી દિલીપ સંઘાણીની સિધ્ધીને વખાણી હતી. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સહિત શહેરના શ્રેષ્ઠીઓએ દિલીપ સંઘાણીનું સન્માન કર્યુ હતુ. સન્માન બાદ આઈસીએના ડિરેકટર દિલીપ સંઘાણીએ ભગવાનબાપા કસવાળા અને ડાયાભાઈ ચિત્તલવાળાને ખાસ યાદ કર્યા હતા. આ સન્માન સમારંભમાં નવીન ચિલો ચિતરવામાં આવ્યો છે કે કોઈ મોમેન્ટો અને ભેટસોગાદોને બદલે સન્માન ચેક કે રોકડથી કરવામાં આવશે. જેથી આ રકમ કોઈ જરૂરીયાતમંદ લોકો પાછળ વાપરી શકાય. અંતમાં દિલીપ સંઘાણીએ આ અદકેરા સન્માન બદલ જિલ્લા ભાજપ સંગઠન, સાંસદ, ધારાસભ્ય, કાર્યકરો અને શહેરના અગ્રણીઓનો હૃદયસ્થ આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં હિરેન હિરપરા, અશ્વિન સાવલીયા, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, ડો.ભરત કાનાબાર, જીજ્ઞેશ પટેલ, ગીતાબેન સંઘાણી, મુકેશ સંઘાણી, મનિષ સંઘાણી, જયંતિભાઈ પાનસુરીયા હાજર રહ્યાં હતા. જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી અને ટીમ સહકારનો દિલીપ સંઘાણીએ આભાર વ્યકત કર્યો હતો.









































