પાકિસ્તાનની જેલોમાં બંધ ભારતીય, ખાસ કરીને ગુજરાતના નિર્દોષ માછીમારો અને તેમની જપ્ત કરાયેલી બોટોને તાત્કાલિક મુક્ત કરાવી સ્વદેશ પરત લાવવા ગીર સોમનાથ જિલ્લા ભાજપ (બક્ષીપંચ મોરચા)ના મહામંત્રી રસિક ચાવડા (આર.સી.) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કાર્યાલયને લેખિત રજૂઆત કરાઈ છે. રજૂઆતમાં જણાવાયું છે કે પોરબંદર, વેરાવળ, માંગરોળ, ઉના, જાફરાબાદ, ઓખા, કોડીનાર અને દીવના માછીમાર સમુદાયોની આજીવિકા માછીમારી પર નિર્ભર છે. દરિયામાં સ્પષ્ટ સીમા ન હોવાથી તેજ પવન, મોજા કે ટેકનિકલ ખામીના કારણે તેઓ અજાણતામાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા (IMBL) ઓળંગી જાય છે, જ્યાં પાકિસ્તાની એજન્સી (PMSA) તેમની ધરપકડ કરી બોટો જપ્ત કરે છે. આથી, વિદેશ મંત્રાલય અને ભારતીય ઉચ્ચાયોગ મારફતે કૂટનીતિક વાટાઘાટો કરી, ત્વરિત ‘કોન્સ્યુલર એક્સેસ’ અને નાગરિકતા ચકાસણીની પ્રક્રિયા ઝડપી બનાવી માછીમારો તથા તેમની બોટો પરત અપાવવા માંગ કરાઈ છે, જેથી તેમની આજીવિકા પુનઃ શરૂ થઈ શકે.