ધોરાજીના કે.ઓ. શાહ કોલેજના એકમાત્ર જાહેર ગ્રાઉન્ડને બચાવવા વિશાળ સભા યોજાઈ હતી. ગ્રાઉન્ડમાં સરકારી અધિકારીઓના બંગલા બનાવવાના નિર્ણય સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત વિવિધ સામાજિક સંસ્થાઓએ એક મંચ પર આવી આંદોલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે કોઈપણ સંજોગોમાં ગ્રાઉન્ડમાં બંગલા બનાવવા નહીં દેવાય અને કામ શરૂ થશે તો પ્રજા તેને અટકાવશે. ભાજપના આગેવાન જયસુખભાઈ ઠેસિયા, નગરપાલિકાના કારોબારી ચેરમેન સી.સી. અંટાળા સહિતના આગેવાનોએ પણ સમર્થન આપ્યું હતું. પૂર્વ નગરપતિઓ, કોંગ્રેસના હોદ્દેદારો અને આપના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. ગ્રાઉન્ડમાં વર્ષોથી લોકમેળા, ધાર્મિક કાર્યક્રમો અને જાહેર સભાઓ યોજાય છે. આંદોલનમાં સાંસદ અને ધારાસભ્યની ગેરહાજરી પણ ચર્ચાનો વિષય બની હતી. કાર્યક્રમનું સંચાલન બાબુલાલ જાગાણીએ કર્યું હતું.








































