બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) શરૂ કરવાની માંગ ઉઠી છે. બાબરા તાલુકા પંચાયત પ્રમુખ તુષારભાઈ નારણભાઈ રામાણીએ ગુજરાતના આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરી છે. કોટડાપીઠા ગામ આસપાસનાં ૧૫થી ૨૦ ગામો માટે મુખ્ય કેન્દ્ર હોવાથી અહીં આરોગ્ય કેન્દ્ર જરૂરી છે. હાલમાં દર્દીઓને સારવાર માટે બાબરા અને અમરેલી સુધી જવું પડે છે. ખાસ કરીને અકસ્માત, પ્રસૂતિ અને ગંભીર બીમારીઓમાં મુશ્કેલી પડે છે. CHC શરૂ થાય તો નિષ્ણાત તબીબો, લેબોરેટરી, એક્સ-રે, સર્જરી અને ૨૪ કલાક ઇમરજન્સી સારવારની સુવિધા મળી શકે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પણ રાહત મળે તે માટે વહેલી તકે મંજૂરી આપવા માંગ કરાઈ છે.




































