અંતે, હાઇસ્કૂલના દિવસોથી જે ફિલ્મને જોવાની ઈચ્છા મનમાં જ દબાઈ રહી હતી અને જેના મધુર ગીતો કેસેટ ઘસી-ઘસીને વર્ષો સુધી સાંભળ્યા હતા, તે ‘સડક’ ૩૫ વર્ષ પછી આખરે જોવાનો મેળ પડી ગયો! ફિલ્મ જોતી વખતે મગજમાં એકસાથે બે અલગ-અલગ કેમેરા ચાલી રહ્યા હતાઃ પહેલો એ કે આજે આટલા વર્ષો પછી મને આ ફિલ્મ કેવી લાગી? અને બીજો એ કે જો આ ફિલ્મ મેં ૧૯૯૧માં મારી સ્કૂલની ઉંમરે જોઈ હોત તો મને કેવી લાગત? આનો જવાબ સાવ સ્પષ્ટ છે કે જો એ વખતે આ ફિલ્મ જોઈ હોત તો મારી કાચી ઉંમર અને એ સમયના ક્રેઝના પ્રતાપે આ ફિલ્મ આજે લાગી છે એના કરતાંય દસ ગણી વધુ સારી લાગી હોત. પણ આટલા વર્ષો પછી આજે જ્યારે આ ફિલ્મ જોઈએ છીએ, ત્યારે તેની પાછળની ઘણી વાસ્તવિકતાઓ અને ખીચડી સાવ ચોખ્ખી દેખાઈ આવે છે.
આ ફિલ્મની પટકથા અને તેની પૃષ્ઠભૂમિ પાછળના ઇતિહાસ પર નજર કરીએ તો, આ ફિલ્મ સીધી કોઈ કાપી કે રીમિક્સ નથી, પરંતુ તેના પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત તો માર્ટીન સ્કોરસેસની હોલિવૂડની માસ્ટરપીસ ફિલ્મ ‘ટેક્સી ડ્રાઇવર’માંથી જ આવે છે. ૧૯૭૬માં ચેતન આનંદ અથવા તો દેવ આનંદે આ જ ‘ટેક્સી ડ્રાઇવર’ની પ્રેરણાથી ‘જાનેમન’ નામની ફિલ્મ બનાવી હતી, જે એમના ‘નવકેતન ફિલ્મ્સ’ના ૨૫ વર્ષ પૂરા થવાના અવસરે સિલ્વર જુબિલી વર્ષ નિમિત્તે રિલીઝ થઈ હતી. આપણે આ બંને ફિલ્મો જોયેલી છે અને બંનેના રિવ્યુઝ પણ કરેલા છે, એટલે એ વાત સ્પષ્ટ છે કે મહેશ ભટ્ટે પણ એ જ મહાન પ્રેરણાસ્ત્રોતને પકડીને ભારતીય માહોલ અને ડાર્ક સિચ્યુએશન મુજબ ‘સડક’નું સર્જન કર્યું હતું. ફિલ્મમાં હીરોને એક વેશ્યા સાથે પ્રેમ થઈ જાય છે. આ એવો વિષય હતો જેણે તે જમાનામાં સૌથી વધુ આકર્ષિત કર્યો હતો અને અનેક વખત જોવાનું ચૂકી જવા છતાં મેં આખી જિંદગી તેના ગીતો મન ભરીને માણ્યા છે.
ફિલ્મ વિશે આજે વાત કરીએ તો, જો આ ફિલ્મમાં કોઈ મોટું સ્ટાર કાસ્ટ ન હોત, તો તે કદાચ એક આર્ટ ફિલ્મ તરીકે પ્રસ્થાપિત થઈ હોત પરંતુ બોક્સ ઓફિસ પર સદંતર ફ્લોપ ગઈ હોત. જોકે, એ વખતે પણ તેને ફ્લોપ થવાથી બચાવવા માટે નદીમ-શ્રવણનું જાદુઈ સંગીત કાઢી નાખવું પડે તેમ હતું! ફિલ્મના ગીતો મને હંમેશાં ગમ્યા છે અને તે ફિલ્મની વાર્તા સાથે એકરસ થઈ જાય છે, પરંતુ એક અફસોસ એ પણ રહે છે કે ફક્ત ગીતો સાંભળીને મેં તેના પિક્ચરાઇઝેશનની જે ઊંચી કલ્પનાઓ કરી હતી, તે ફિલ્મને સ્ક્રીન પર જોતી વખતે ખરી નીવડી નથી. ગીતોની હાઇટ સામે ફિલ્મનું પિક્ચરાઇઝેશન થોડું નીચું પડી જાય છે, જો કે આ બાબત ફિલ્મનો કોઈ બહુ મોટો માઇનસ પોઈન્ટ નથી બનતી.
આજે જ્યારે આ ફિલ્મ જોઈએ છીએ ત્યારે એ વાત ચોક્કસ માર્ક કરવી પડે છે કે આજની પાકી ઉંમરે સંજય દત્તમાં અભિનયની જે અદભુત મેચ્યોરિટી આવી છે, તેવી પરિપક્વતા એ વખતે ન હતી. અમુક સિન જોતી વખતે તો એવું લાગે કે ભાઈ સાહેબ બપોરે ‘સાજન’ ફિલ્મનું શૂટિંગ પતાવીને સીધા અહીં ટેક્સી ચલાવવા આવી ગયા છે! સંજય દત્ત આ ફિલ્મમાં હજી ક્યાંક કાચો માલૂમ પડે છે. ફિલ્મફેરે એવોર્ડ સદાશિવ અમરાપુરકરને આપ્યો તે સો ટકા બરાબર જ છે જોકે, સાયકોલોજિકલ ઇફેક્ટ વાળા અને માનસિક આઘાત દર્શાવતા કેટલાક જે સીન સંજય દત્તે આપ્યા છે, તે તો માત્ર ને માત્ર સંજય દત્ત જ આપી શકે!
ફિલ્મનો ઘણો બધો ભાગ ઇન્ટરવલ પછી સાવ બીબાઢાળ અને પ્રિડીકટેબલ બની જાય છે. અંતમાં હીરો પોતાની જ રીતે વિલનનું બધું પૂરું કરી નાખવાનો હોય છે અને બરાબર એ જ થાય છે. તેમ છતાં, આટલા ગંભીર વિષય ઉપર અને આ પ્રકારે વાર્તા ઉપર એ સમયના જમાનામાં આટલી ડાર્ક ફિલ્મ બનાવવી એ કોઈ નાની સૂની વાત નહોતી અને તે એક બહુ મોટું સાહસ હતું, જેનો સ્વીકાર કરવો જ પડે. સમય વીતવાની સાથે ફિલ્મની ઘણી ટેક્નોલોજીકલ બાબતો અને ખાસ કરીને પિક્ચરાઇઝેશન આજે થોડું ડલ લાગે છે, પરંતુ નદીમ-શ્રવણનું સંગીત આજે પણ એટલું જ તાજું અને કાનને મધુર લાગે છે.
આ ફિલ્મ જોતી વખતે અભિનયની દ્રષ્ટિએ દીપક તિજોરી પણ જરાય કમ નથી લાગતા. ઊલટાનું, સંજય દત્ત કરતા પણ દીપક તિજોરી આ ફિલ્મમાં વધુ મેચ્યોર એક્ટર લાગે છે. પરંતુ સૌથી મોટો અફસોસ એ થાય છે કે ચાહે ‘આશિકી’ હોય કે ‘સડક’, આ માણસ કાયમ હીરોના મિત્રની છાયા કે ઈમેજમાંથી ક્યારેય બહાર આવી શક્યો નહીં અને કોઈ જોરદાર લીડ ફિલ્મ આપી શક્યો નહીં. બોલિવૂડ દીપક તિજોરીની આ અસલી ટેલેન્ટ અને ક્ષમતાનો ક્યારેય પૂરેપૂરો ઉપયોગ કરી શક્યું નહીં, જેનો એક સિનેપ્રેમી તરીકે હંમેશાં રંજ રહી જાય છે.
naranbaraiya277@gmail.com








































