અમરેલી જિલ્લામાં ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭ જાહેર કરવામાં આવ્યો છે. તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૭ની લાયકાતની તારીખને ધ્યાને રાખીને તા. ૨૭ નવેમ્બરથી ૨૬ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી આ કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન નવા મતદારો નામ નોંધણી કરાવી શકશે તેમજ મતદારો પોતાની વિગતોમાં સુધારા કરાવી શકશે. તા. ૨૯ નવેમ્બર, ૬ અને ૧૩ ડિસેમ્બરે ખાસ ઝુંબેશ યોજાશે. આ દિવસોમાં જિલ્લાના ૧,૩૯૫ મતદાન મથકો પર સવારે ૧૦થી સાંજે ૫ વાગ્યા સુધી બીએલઓ ફોર્મ સ્વીકારશે. ઓનલાઇન નોંધણી માટે વોટર હેલ્પલાઇન એપ અને ચૂંટણી પંચની વેબસાઇટનો ઉપયોગ કરી શકાશે. વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પર સંપર્ક કરવા જિલ્લા ચૂંટણી અધિકારીએ અપીલ કરી છે.




































