સાબરકાંઠાના પ્રાંતિજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના નિવાસસ્થાને એક મહિલાએ ભારે હંગામો મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ધારાસભ્યના વૃદ્ધ પિતા અને મુલાકાતીઓ હાજર હોવા
દરમિયાન હોબાળો કર્યો છે. યુવતીએ ધારાસભ્ય ગજેન્દ્રસિંહનું રાજકારણ ખતમ કરી દઈશ જેવી ધમકીઓ આપી હતી. ત્યારબાદ પોલીસની વાન આવતા જ નંબર વિનાની કાર લઈ ફરાર થઈ ગઈ હતી. ધારાસભ્યના પિતાએ તલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના પિતા દ્વારા તલોદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ અમદાવાદની એક યુવતીએ ઘરમાં બળજબરીપૂર્વક ઘૂસી જઈને હોબાળો કર્યો હતો અને ધમકીઓ આપી હતી. પોલીસ ફરિયાદના આક્ષેપો અનુસાર, જ્યારે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના વૃદ્ધ પિતા અને અન્ય મુલાકાતીઓ ઘરે હાજર હતા, તે દરમિયાન અમદાવાદની એક યુવતી અચાનક બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસી આવી હતી. યુવતીએ ઘરમાં પ્રવેશીને બૂમબરાડા પાડવાનું શરૂ કર્યું હતું અને વાતાવરણ તંગ બનાવી દીધું હતું.
ફરિયાદમાં જણાવાયા મુજબ, આ સમગ્ર હંગામો અગાઉ થયેલા વિવાદો અને તે સંદર્ભે નોંધાયેલી ફરિયાદના સમાધાનના મુદ્દે કરવામાં આવ્યો હતો. યુવતીએ ઉશ્કેરાઈ જઈને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારનું રાજકારણ ખતમ કરી નાખવાની ધમકીઓ પણ ઉચ્ચારી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ઘટનાની ગંભીરતાને જાતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જાકે, પોલીસની વાન ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ હંગામો મચાવનાર યુવતી નંબર પ્લેટ વગરની કાર લઈને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. આ સમગ્ર મામલે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના પિતાએ તલોદ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે નંબર વગરની કાર અને ફરાર થઈ ગયેલી અમદાવાદની યુવતીની શોધખોળ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.









































