બગસરા તાલુકાના નટવરનગર ગામે પ્રેમલગ્નની અદાવત રાખીને પરિણીતાને બદલે તેની નણંદનું અપહરણ કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે કિંજલબેન કરશનભાઈ મેવાડાએ લાલભાઈ ગમારા, ગોપાલભાઈ લામકા સહિત પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના ભાઈએ બે મહિના પહેલાં મીઠાપુરની પાર્વતી સાથે પરિવારની મરજી વિરુધ્ધ કોર્ટ મેરેજ કર્યા હતા. જેનું મનદુઃખ રાખી ગત તા. ૧૭/૧૧/૨૦૨૬ ની મધ્યરાત્રિએ આરોપીઓ કાળી સ્કોર્પિયો કાર (GJ-13-CB-5290) માં આવ્યા હતા. તેઓ દિવાલ કૂદી ઘરમાં પ્રવેશ્યા અને પાર્વતી સમજીને રૂમનો નકૂચો તોડી કિંજલબેનને વાળ પકડી ઢસડીને કારમાં બેસાડી દીધા હતા. યુવતીએ બૂમાબૂમ કરતાં લોકો એકઠા થઈ ગયા હતા. દરમિયાન કારમાં બેઠેલા ગોપાલભાઈ લામકાને ખ્યાલ આવ્યો કે આ પાર્વતી નહીં પરંતુ કિંજલબેન છે. જેથી આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી કારમાંથી નીચે ધક્કો મારી નાસી છૂટ્યા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.