શહેરના નરોડા વિસ્તારમાં બેફામ સ્કોર્પિયો ચાલકે કહેર વર્તાવ્યો છે. પૂર ઝડપે કાર ચલાવીને ચાલકે પાર્ક કરેલા વાહનોને અડફેટે લીધા છે. બેકાબૂ બનેલી સ્કોર્પિયો કારે બે ટુવ્હીલર અને કારને અડફેટે લેતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં એક બાઈકસવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જ્યારે અન્ય વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે. જી ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપીને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે, આરોપી એટલો નશામાં ધૂત હતો કે તેનાથી ઊભું પણ રહેવાતું ન હતું.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, સ્કોર્પિયો કાર નં જીજે -૧૮ બીઆર-૮૧૮૨ ના ચાલક આકાશ અમરતભાઇ સથવારાએ (ઉ.વ.૨૭, રહે- ૨૪૧, ઓત્તંબા સોસાયટી વિધ્યાનિકેતન સ્કુલ સામે ખોડીયારનગર અમદાવાદ) કોઇ કેફી પીણું પીધેલી હાલતમાં પોતાના કબજાની કાર પૂરઝડપે બેદરકારીભરી તથા ગફલતભરી રીતે ચલાવી હતી.
આ કારે અન્ય એક કારને આગળના ભાગે ટક્કર મારી કારને ડાબી બાજુ આગળના બમ્પર તથા બોનેટ તથા ડાબી બાજુની હેડ લાઇટ તથા ડાબી બાજુનું આગળનું ટાયર તથા પાછળની બાજુનું બમ્પર તથા ડેકીને નુકસાન કર્યું હતું. ગાડીને પાંચ લાખ રૂપિયા જેટલું નુકસાન કર્યું હતું.આ સાથે ચાલક લલિતભાઇ ગૌત્તમભાઇ મેસરીયાની મોટરસાયકલને પણ અથાડીને નુકસાન કર્યું હતું. આ ઉપરાંત નિખીલભાઇ વિજયભાઇની હોન્ડા યુનિકોર્ન મો.સા.ને નરોડા જી.ઇ.બી પાસે આવેલા એચ.પી પેટ્રોલ પંપ સામેના રોડ ઉપર ટક્કર મારી હતી. આ અંગે જી પોલીસ સ્ટેશને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.મીડિયા સાથેની વાતચીતમાં સ્થાનિકે જણાવ્યું કે, કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો. તેને બહાર કાઢ્યો તો તે ઉભો પણ રહી શકતો ન હતો. આવા લોકોને કારણે લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. કયા સમયે કોણ દારૂ પીને આવીને અથાડીને જતો રહે તે કહેવું પણ મુશ્કેલ છે. આવી વ્યક્તિઓને કડકમાં કડક સજા થવી જાઈએ.








































