ગુજરાતમાં દુષ્કાળની સ્થિતિ કેટલી ગંભીર છે, તેનો ચિતાર આપતો એક નિર્ણય આજે લેવાયો છે. કેન્દ્રના જળશક્તિ મંત્રાલયની બેઠકમાં ગુજરાતે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પાસેથી નર્મદાનું પાણી ખરીદવાનું નક્કી કર્યું છે. વળી આ નિર્ણય ગુજરાતના જ સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં લેવામાં આવ્યો છે. જે સરદાર સરોવરના નામે ભરપૂર રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે, તેનું પાણી જ આજે જરૂરિયાતના સમયે પણ ગુજરાતની જનતાએ વેચાતું લેવાની ફરજ પડશે.
એકતા નગરના સર્કિટ હાઉસ ખાતે સોમવારે (૧૬ નવેમ્બર) કેન્દ્રના જળશક્તિ મંત્રાલયની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાતમાં પાણીની અછત ન સર્જાય તે માટે એક નિર્ણય કરવામાં આવ્યો હતો. સરદાર સરોવર ડેમ સાથે સંકળાયેલા ચારેય રાજ્યોના મુખ્યમંત્રીઓની હાજરીમાં એવું નક્કી કરાયું હતું કે, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ વીજળી ઉત્પન્ન કરશે નહીં, તે પાણી સીધું ગુજરાતને આપી દેશે. તેના બદલામાં ગુજરાતે બંને રાજ્યોને મળવાપાત્ર વીજળી ખરીદીને આપવી પડશે અથવા તો પૈસા ચૂકવવા પડશે. ત્રણેય રાજ્યોના મુખ્ય સચિવો મળીને આગામી દિવસોમાં આ અંગેની ફોર્મ્યુલા તૈયાર કરશે. અવેજમાં વીજળી આપવી કે પૈસા તે અંગે નક્કી કરવામાં આવશે. આ નિર્ણયનો સીધો મતલબ એવો થાય છે કે, ગુજરાતે આગામી શિયાળા અને ઉનાળા માટે આ રાજ્યો પાસેથી વેચાતું પાણી લેવાની ફરજ પડશે.નકશા જુઓ
જળશક્તિ મંત્રાલયની આ બેઠકમાં ખાસ કરીને ખર્ચ અને લેણા અંગે ૩૦ વર્ષથી ચાલતા વિવાદ અંગે મહત્વનો નિર્ણય કરાયો હતો. ચારેય રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ખર્ચ પર ૬ ટકા વ્યાજ ગણી હિસાબ ક્લીયર કરાયો છે. તેમાં તમામ રાજ્યો સહમત થયા છે. આ ઉપરાંત મધ્યપ્રદેશે ૧૦ વર્ષથી મેન્ટેનન્સના પૈસા ગુજરાતને આપવાના બાકી હતા. જે ચૂકવી આપ્યા છે અને હવેથી સમયસર મેન્ટેનન્સ મળશે, તેવું પણ નક્કી કરાયું હતું.