વિકાસકામોમાં મંથર ગતિના કારણે લોકોએ આ દિવાળીએ પણ રાજકોટ શહેરમાં તથા શહેરથી બહાર જવામાં પણ ભારે હાલાકીનો, ટ્રાફિક જામનો સામનો કરવો પડશે. રાજકોટથી અમદાવાદ કે રાજકોટથી જેતપુરના હાઈવે આ દિવાળી કે વર્ષના અંત સુધી પૂરા કાર્યરત નહીં થાય તો વાહનચાલકોને અગવડતા પડી શકે છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય એક પણ ફ્લાઈટ શરૂ થવા અંગે હજુ એરપોર્ટ સત્તાવાળાઓ કોઈ તારીખ આપવાનું પણ ટાળે છે. રાજકોટ-અમદાવાદ સિક્સલેનની મુદત ૩ વર્ષની છે પરંતુ કામ ૮ વર્ષથી ચાલે જ છે. જેમાં જેતપુર, ગોંડલ હાઈવેનું કામ પણ ધીમી ગતિએ છે અને એરપોર્ટમાં પણ ફ્લાઈટ અપૂરતી હોવાનું જણાય છે.
આશરે રૂ. ૩૩ અબજના ખર્ચે મંજૂર થયેલા અને ઈ.સ. ૨૦૨૧માં પૂરું થવાની મુદત હતી તે રાજકોટ-અમદાવાદ સિક્સલેનનું કામ કુવાડવા પાસે અટકેલું છે. આ લોકેશન જ એવું છે કે વાંકાનેર, ચોટીલા સહિતના સ્થળે જવા સૌથી વધુ અવરજવર રહે છે. જેના કારણે આ દિવાળીએ પણ લોકોને ત્યાં હેરાનગતિ થશે. તો રાજકોટ-ગોંડલ હાઈવે પર હજુ પણ બ્રિજના કામો બાકી છે. ટોલ વસૂલાય છે પરંતુ તેની આસપાસના રોડ પણ સારા નથી. તેમજ રોડ પર પૂરતા સાઈનબોર્ડ પણ નથી અને બે દિવસ પહેલા કલેક્ટરે વધુ એક વાર બ્રિજના કામો ઝડપથી પૂરા કરવા સૂચના આપવી પડી છે.
હીરાસર પાસે આવેલા રાજકોટ એરપોર્ટમાં ફ્લાઈટની સંખ્યા વધારે દર્શાવાય છે પરંતુ, રોજ ૩૦૦૦થી વધુ મુસાફરોની અવરજવર ધરાવતા આ સ્થળે હજુ અયોધ્યા સહિતના સ્થળે જવા પર્યાપ્ત ફ્લાઈટ નથી. માત્ર દિલ્હી, મુંબઈની જ ફ્લાઈટ વધારે મળે છે. અને તેથી વિશેષ નામ મુજબ એરપોર્ટમાં હજુ એક પણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ બીજું શિયાળુ શિડ્યુઅલ શરૂ થઈ રહ્યું છે છતાં શરૂ કરવામાં આવ્યું નથી.



































