રાજ્યની ૧૧ મહાનગરપાલિકાઓ અને ૧૨૦ નગરપાલિકાઓના તાજેતરના અહેવાલમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં ગુજરાતના શહેરોમાં ૨૩ ટકા રસ્તાઓ હજુ પણ કાચા હોવાનું સામે આવ્યું છે. સૌથી મોટું અને સ્માર્ટ સિટી ગણાતું અમદાવાદ આ યાદીમાં સૌથી મોખરે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કુલ રસ્તાઓના ૫૨ ટકાથી પણ વધુ, એટલે કે અંદાજે ૨,૧૦૨ કિલોમીટર જેટલા રસ્તાઓ આજે પણ કાચા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. મેગાસિટી અમદાવાદના અડધાથી વધુ માર્ગો કાચા હોવાના આંકડાએ મનપાના કામકાજ અને વિકાસના દાવાઓ સામે મોટા સવાલો ઊભા કર્યા છે.
એક તરફ રોડ નેટવર્કની આવી સ્થિતિ છે, તો બીજી તરફ આ રસ્તાઓની જાળવણી પાછળ મોટો સરકારી ખર્ચ થઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ, રાજ્યભરમાં રસ્તાઓના નેટવર્કને સુધારવા અને માર્ગોની સફાઈ પાછળ એક જ વર્ષમાં અંદાજે ૨,૫૨૩ કરોડ જેટલી અધધ રકમ ખર્ચવામાં આવી છે. કરોડો રૂપિયાના ધુમાડા છતાં નાગરિકોને પાકા રસ્તાની સુવિધા ન મળવી એ વહીવટી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.
માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ રાજ્યના અન્ય નાના-મોટા શહેરોની સ્થિતિ પણ ચિંતાજનક છે. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની આ યાદીમાં અમદાવાદ ઉપરાંત પોરબંદર, નવસારી અને સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ પણ સામેલ છે. આ શહેરોમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં કાચા રસ્તાઓ આવેલા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ચોમાસા દરમિયાન તથા દૈનિક અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડે છે.
સામાન્ય રીતે એસ્ફાલ્ટ (ડામર) કે સિમેન્ટ-કાન્ક્રીટનો ઉપયોગ કરીને મજબૂત રીતે બનાવવામાં આવતા માર્ગોને પાકા રસ્તા ગણવામાં આવે છે. જ્યારે કોઈપણ જાતના ડામર કે કાન્ક્રીટના કોટિંગ વિના માત્ર સાદી માટી, રેતી કે કાંકરી પાથરીને બનાવવામાં આવેલા અથવા કુદરતી રીતે બનેલા માર્ગોને કાચા રસ્તા ગણવામાં આવે છે. આવા રસ્તાઓ ધૂળિયા હોય છે અને વરસાદી ઋતુમાં કાદવ-કીચડના કારણે સંપૂર્ણપણે બિનઉપયોગી બની જાય છે





































