સાવરકુંડલાના મોટા ભમોદ્રા ગામે ગાળો બોલવાની ના પાડતાં યુવકને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. બનાવ અંગે તેજાભાઈ કરશનભાઈ રાઠોડ (ઉં.વ.૩૫)એ મુનાભાઈ નાથાભાઈ આલગોતર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમનાં બહેન દયાબેન અને આરોપી બંને પતિ-પત્ની થાય છે. મોટા ભમોદ્રા ગામે રહેણાંક મકાને ઝઘડો થતાં આરોપીએ ફોન કરીને તેમને જાણ કરી હતી. જેથી તેજાભાઈ પોતાના ઘરેથી બહેન દયાબેનના ઘરે ગયા હતા અને બહેનને પોતાની સાથે આવવા કહ્યું હતું. જે વાત આરોપીને સારી ન લાગતાં, તેણે ગાળો આપવાનું શરૂ કર્યું હતું. તેજાભાઈએ ગાળો બોલવાની ના પાડતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેજાભાઈ તથા તેમનાં બહેન દયાબેનને ઢીકાપાટુ વડે શરીરે આડેધડ મૂંઢ માર માર્યો હતો. ઉપરાંત માથાના ભાગે લાકડીના બે-ત્રણ ઘા મારતાં તેજાભાઈને છ ટાંકા આવ્યા હતા. વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.બી. કામળિયા વધુ તપાસ કરી રહ્યા છે.








































