વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં ચાલતા વરલી મટકાના કથિત જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)એ દરોડો પાડ્યો છે. ડભોઈ રોડ પર ઝેનિથ સ્કૂલ પાસે આવેલા ત્રિમૂર્તિ ફ્લેટની દીવાલ નજીક પતરાના શેડ નીચે ચાલતી જુગારની પ્રવૃત્તિ પર કાર્યવાહી કરીને પોલીસે ૬ લોકોની અટકાયત કરી છે. સ્થળ પરથી રોકડ, મોબાઇલ ફોન અને જુગારનું સાહિત્ય મળી કુલ ૭૧,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, પોલીસ ઇન્સ્પેક્ટર બી.એચ. રાઠોડની આગેવાની હેઠળ એસએમસીની ટીમે વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. પ્રતાપનગરના ડભોઈ રોડ પર ઝેનિથ સ્કૂલ પાસે ખુલ્લી જગ્યામાં પતરાના શેડ નીચે જુગારધામ ચાલતું હોવાની માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ૪૫,૮૦૦ રોકડા, ૬ મોબાઇલ ફોન અને જુગાર રમવા માટેનું સાહિત્ય કબજે કર્યું હતું. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત ૭૧,૪૦૦ હોવાનું જણાવાયું છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે અજયભાઈ ઉર્ફે બોડીયો પટેલ, નજુભાઈ મલેક, કનૈયાલાલ ગોહિલ, શ્રવણકુમાર પટેલ, ચંદ્રકાંત ઉર્ફે ચંદુ માળી અને ભાવસિંહ રાઠવાની અટકાયત કરી છે.જ્યારે રંજનભાઈ વર્મા, રોહિત વર્મા અને એક અજાણ્યા મોબાઇલધારક સહિત ૩ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.