ધોરાજી અને ઉપલેટા તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલા સાધનો મહિનાઓથી ધૂળ ખાઈ રહ્યા હોવાનો પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપ કર્યો છે. દિવ્યાંગો માટે યોજાયેલા કેમ્પ બાદ સ્ટિક, ઇલેક્ટ્રિક બાઇસિકલ, સાયકલ સહિતના સાધનો ધોરાજી પહોંચી ગયા હોવા છતાં વિતરણ કરવામાં આવ્યું નથી. જેના કારણે લાભાર્થીઓને મુશ્કેલી પડી રહી છે.વસોયાએ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવી સાધનોનું વિતરણ તાત્કાલિક કરવા માંગ કરી છે. તેમણે ચીમકી આપતા જણાવ્યું કે, જો જવાબદાર અધિકારીઓ દ્વારા સાધનો આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે સ્થળ પર જઈને ખુદ વિતરણ કરશે. હવે તંત્ર દ્વારા આ મામલે શું પગલાં લેવાય છે તે જોવાનું રહ્યું.










































