ખાંભા તાલુકાના ડેડાણ ગામે પાટી જવાના રસ્તે આવેલા તબેલા સામે ઉકરડો કરવા બાબતે ઠપકો આપવાની જૂની અદાવત રાખી બે શખ્સોએ તબેલા માલિક
પર લોખંડના હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે અફજલભાઇ અલારખભાઇ બોળાતર (ઉં.વ. ૩૧)એ આસીફભાઇ અલ્તાફભાઇ બોળાતર તથા અલ્તાફભાઇ જુસબભાઇ બોળાતર સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ડેડાણ ગામે પાટી જવાના રસ્તે તેમનો ભેંસોનો તબેલો અને જમીન આવેલાં છે. આ તબેલાના ડેલાની આગળ આરોપી અલ્તાફભાઈએ ઉકરડો કર્યો હોવાથી અફજલભાઈએ ઉકરડો હટાવી લેવા બાબતે ઠપકો આપ્યો હતો. આ બાબતનું મનદુઃખ રાખી બંને આરોપીઓ
અવારનવાર તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા હતા.દરમિયાન ગત તા. ૧૪ ઓક્ટોબરના રોજ રાત્રિના આશરે ૯ઃ૩૦ વાગ્યાની આસપાસ બંને આરોપીઓએ જૂની અદાવત રાખી તેમને જેમ ફાવે તેમ ગાળો ભાંડી હતી. તેવામાં એક આરોપીએ લોખંડના હથિયાર વડે તેમના માથાના ભાગે બે ઘા તેમજ ડાબા લમણા પર એક ઘા ઝીંકી દીધો હતો.
આ હુમલાને પગલે તેમને માથામાં સાત ટાંકા આવ્યા હતા તેમજ વાંસામાં જમણી બાજુ ખભા નીચે પણ લોખંડના હથિયારથી બે ઘા મારી મૂઢ ઈજા પહોંચાડી હતી.આ ઉપરાંત, બીજા આરોપીએ પણ બીભત્સ ગાળો આપી છાતી તેમજ શરીરના અન્ય ભાગો પર આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો.
હુમલો કર્યા બાદ બંને શખ્સો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ અરૂણભાઈ પુનાભાઈ રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.







































