રાજુલા તાલુકાના વાવેરા ગામે એક ખેડૂતને બળદગાડામાંથી નીચે ઉતારી ફટકારવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત આરોપીઓએ મોઢું દબાવી પથ્થરના છૂટા ઘા પણ માર્યા હતા. બનાવ અંગે કાળુભાઈ અરજણભાઈ બારૈયા (ઉં.વ.૬૪)એ જેન્તીભાઇ પ્રેમજીભાઇ બારૈયા, ધનાભાઇ રાઘવભાઇ બારૈયા, ભરતભાઇ પ્રેમજીભાઇ બારૈયા તથા મનિષાબેન જેન્તીભાઇ બારૈયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, કાળુભાઈ પોતાની વાડીએથી બળદગાડું લઈને ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન જેન્તીભાઈ બારૈયાએ તેમને જેમ ફાવે તેમ ગાળો આપી બે લાફા મારી દીધા હતા. આ સમયે અન્ય આરોપીઓએ પણ ગાળો આપી હતી. ત્યારબાદ ધનાભાઈ રાઘવભાઈ બારૈયાએ તેમને બળદગાડામાંથી નીચે ઉતારી શરીરે ઢીકાપાટુનો માર મારી મૂઢ ઈજાઓ પહોંચાડી હતી, જ્યારે ભરતભાઈએ તેમનું મોઢું દબાવી રાખ્યું હતું. આ સિવાય જતાં-જતાં જેન્તીભાઈએ પથ્થરનો છૂટો ઘા મારી કાળુભાઈને જમણા હાથે કોણી પાસે ઈજા પહોંચાડી હતી. બનાવ બાદ ચારેય આરોપીઓ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી નીકળી ગયા હતા. બનાવ અંગે રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી. કે. ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































