આગામી દિવાળી પર્વમાં ઘેર આવનારા સગાં-સંબંધી કે મહેમાનોને મીઠું મોં કરાવતી મીઠાઇની ખરીદીની ચિંતા સાથે એની ગુણવત્તા અને આરોગ્યપ્રદ હશે કે નહીં, તેની ચિંતા સતાવે છે. આટલી મોંઘીં મીઠાઇ ખરીદ્યા પછી પણ જો એનો સ્વાદ, ગુણવત્તા કે તાજી ના હોય તો આરોગ્યને હાનિ પહોંચાડે છે ને ક્યારેક જીવલેણ પણ નિવડે છે. ત્યારે ગુણવત્તાયુક્ત સામગ્રી લાવી, તમે તમારા હાથે જ સ્વાદિષ્ટ અને તાજી મીઠાઇ બનાવી સગાં-સંબંધી કે મહેમાનોનું મોં મીઠું કરાવી સંબંધની ગરિમા જાળવી શકો છો.
(૧) કોકોનટ પેંડા
– સામગ્રીઃ દૂધ-૨ કપ, સાકર-અર્ધો કપ, સૂકા નાળિયેરનો બારીક ભૂકો-૨ કપ, મિલ્ક પાઉડર-૧ કપ, ઘી-૧ ચમચી, ઈલાયચી પાઉડર-૨ નાની ચમચી.
– રીતઃ (૧) એક કઢાઈમાં દૂધને ગેસ પર હલકું ગરમ કરી લો. (૨) પછી તેમાં સાકર મેળવી તે ઓગળે પછી નાળિયેરનો ભૂકો મેળવો. (૩) દરમિયાન ઝારા કે ચમચાથી દૂધને સતત હલાવતાં રહો. (૪) મિશ્રણમાંનું દૂધ બરાબર સૂકાઈ જાય એટલે ગેસની આંચ ધીમી કરી તેમાં મિલ્ક પાઉડર મેળવો અને ચમચાથી ઝડપથી એકરસ મેળવી દો. (૫) મિલ્ક પાઉડર બરાબર ભળી જાય એટલે એમાં ઘી મેળવી એકાદ મિનિટ ફરી હલાવીને ઇલાયચી પાઉડર ભેળવો અને ગેસ બંધ કરી દો. (૬) મિશ્રણ થોડું ઠંડું પડે એટલે તેમાંથી પેંડા વાળવા માટે ગોળો હાથમાં લઈ ચપટો ગોળાકાર પેંડો બનાવી લો. ગોળો વાળતી વખતે કિનારી થોડી ફાટી શકે. તેથી કાળજીપૂર્વક ગોળો વાળો. ત્યાર પછી એક થાળીમાં નાળિયેરનો ભૂકો લઈ તેમાં રગદોળી બીજી થાળીમાં ગોઠવી દરેક પેંડા પર પિસ્તાનું કતરણ ગોઠવી, તેના પર કેસરનો તાંતણો કે બદામનું કતરણ ગોઠવો. આ પેંડા ત્રણેક દિવસ સુધી બહાર સારાં રહેશે.જો ફ્રિજમાં રાખશો તો અઠવાડિયા સુધી સારાં રહેશે.
(૨) મગ દાળની બરફી
– સામગ્રીઃ મગની દાળ-૨ કપ, દૂધ-૨કપ, ઘી-૧ કપ, દૂધનો મોળો માવો-૧ કપ, ઇલાયચી પાવડર- ૧ નાની ચમચી,
કાજુ-પિસ્તાનું કતરણ-અર્ધો કપ, ચાંદીનું વરખ.
– રીતઃ (૧) મગની દાળને ૩-૪ પાણીથી ધોઈ પાણી નિતારી સ્વચ્છ કૂકરમાં નાખી, તેમાં ૨ કપ દૂધ મેળવો. (૨) કૂકરને બરાબર બંધ કરી ગેસની ધીમી આંચે ૩-૪ મિનિટ ગરમ થવા દો. પછી ગેસની આંચ ધીમી કરી કૂકરની ૨-૩ સીટી વાગે એટલે ગેસ બંધ કરી દો. (૩) કૂકર ઠંડું પડે એટલે ઢાંકણું ખોલીને ચેક કરી લો. દાળ ચઢી જાય એટલે એક સ્ટીલની ચાળણીમાં દાળ નાખી ચાળણીને એક બાઉલની ઉપર ગોઠવી દો. આ મગની દાળને વાટકીના તળિયાથી વાટી લો. દાળ વાટતી વખતે ચાળણીમાંથી દાળ નીચે બાઉલમાં ભેગી થશે. (૪) દાળ સ્ટીલની ચાળણીમાં ચાળી લીધા બાદ એક કઢાઈમાં ૧ કપ ઘી ગરમ કરી, તેમાં વાટેલી દાળ ઉમેરી, ચમચા વડે હલાવતાં રહો. ગેસની આંચ મધ્યમ રાખો, દાળનું મિશ્રણ સહેજ સૂકું થવા આવે એટલે તેમાં મોળો માવો ઉમેરી મિશ્રણ ચારવતાં રહો.તે સરખું મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરો. (૫) બીજી બાજુ ગેસ ઉપર એક વાસણમાં સાકર અને પાણી મેળવી ગેસની મધ્યમ આંચે એકતારી ચાસણી તૈયાર કરો. (૬) આ ચાસણી મગની દાળના મિશ્રણમાં મેળવીને ગેસ ચાલુ કરી ધીમી આંચે ચમચાથી મિશ્રણને હલાવતાં રહી મિશ્રણ એકરસ થઈ ઘટ્ટ થવા આવે એટલે ૨ ચમચી ઘી મેળવી બે મિનિટ ગેસ પર થવા દઈ ગેસ બંધ કરી દો. (૭) એક થાળી કે ટ્રેમાં ઘી લગાડો. પછી દાળનું ઘટ્ટ મિશ્રણ તેમાં રેડીને ફેલાવી દો.તેની ઉપર ચાંદીનું વરખ લગાડી કાજુ-પિસ્તાનું કતરણ ભભરાવીને સહેજ પ્રેશ કરી, બરફી ઢાંકીને રાત રહેવા દો. સવારે બરફી જામી જાય એટલે ચપ્પાથી ચોસલા પાડી ખાવ.
(૩) રવા બિસ્કિટ
– સામગ્રીઃ અતિ બારીક રવો-૩ કપ, ઘઉંનો લોટ-૧ કપ, ચણાનો લોટ-૪ ચમચી, દળેલી ખાંડ-૧ કપ, બેકિંગ સોડા- ૧ નાની ચમચી, ઠંડું જામેલું દેશી ઘી- અર્ધો કપ, હૂંફાળું ગરમ દૂધ-૨ કપ, મીઠું-ચપટી, તેલ-તળવા માટે.
– રીતઃ (૧) એક મોટા બાઉલમાં ઘી લો, આ ઘી જામેલું જ હોવું જોઈએ. (૨) તેમાં સાકર અને હૂંફાળું દૂધ મેળવી જેરણીથી થોડીવાર બરાબર મિક્સ કરો, જેથી સાકર સારી રીતે ઓગળી જાય. (૩) પછી તેમાં રવો ઉમેરી વાસણ ઢાંકી રાખી, ૫-૧૦ મિનિટ માટે રહેવા દો. (૪) ૧૦ મિનિટ પછી રવો ફૂલવાથી મિશ્રણ થોડું ઘટ્ટ થઇ જશે, જો કે તે પાતળું હશે, તેથી તેમાં થોડો ઘઉંનો લોટ ઉમેરતાં જઇ નરમ લોટ બાંધી લો. (૫) બાંધેલા લોટમાંથી નાના લૂવા લઈ ચપટા ગોળાકાર આપી એક થાળીમાં ગોઠવો. (૬) પછી કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો, તેલ વધુ ગરમ ના થવા દો. તેલ થોડું ગરમ થવા આવે એટલે ગેસની આંચ ધીમી કરી બિસ્કિટ માટે વાળેલા ગોળા હળવેથી કઢાઈમાં નાખો. ગોળા નીચેથી સોનેરી રંગના થવા આવે પછી જ ઉથલાવો. બંને બાજુથી સોનેરી રંગના થાય એટલે ઝારા વડે તેલ નિતારીને બિસ્કિટ કાઢી લો. બિસ્કિટ તૈયાર છે, હવે ચા સાથે પીરસો.
(૪) માવા મિલ્ક સ્વીટ
– સામગ્રીઃ માવો-૨૫૦ ગ્રામ, દૂધ ૧-લિટર, સાકર-૨ કપ, કેસરના તાંતણા-૧૦-૧૫ નંગ, સૂકા મેવાનું કતરણ- અર્ધો કપ.
– રીતઃ (૧) એક તપેલીમાં ૧ કપ સાકર લઈ તેમાં ૪-૫ કપ પાણી ઉમેરીને ગેસ પર ઉકળવા માટે મૂકો. (૨) માવાને થાળીમાં લઈ હથેળીથી મસળીને થોડો નરમ કરી લો. તેમાંથી નાના લંબગોળ કે ચપટા ગોળ ગોળા વાળી ચાસણીમાં નાખીને ઉકળવા દો. (૩) તેને ૨૦ મિનિટ ઢાંકીને ઉકળવા દો, દર પાંચ મિનિટે ઢાંકણ ખોલી ચમચા વડે ગોળાને ઉથલાવતા રહો. પછી તેને ઝારા વડે ચાસણી ગાળી એક વાસણમાં કાઢી લો. (૪) એક કઢાઈમાં દૂધ ગરમ કરવા મૂકો. દૂધ ઉકળે એટલે એમાં ૧ કપ સાકર મેળવી ગેસની મધ્યમ આંચે દૂધને ઉકાળો. વચ્ચે વચ્ચે ઝારાથી દૂધને હલાવતાં રહો. (૫) દૂધનું પ્રમાણ અડધું થઈ ઘટ્ટ થાય એટલે ગેસને બંધ કરી દો. (૬) થોડીવાર બાદ આ ઘાડી મલાઈને પ્લેટમાં કાઢેલા મલાઈ ચોપ પર રેડી તેને ઢાંકી રાખો, એકાદ-દોઢ કલાક માટે ફ્રીજમાં મૂકી રાખો. (૭) ઠંડા થયા બાદ તેના ઉપર કેસર અને સૂકામેવાનું કતરણ ભભરાવી સર્વ કરો.
(૫) સામાનો ફરાળી હલવો
– સામગ્રીઃ સામો-૧ કપ, દૂધ-૩ કપ, ઘી-૫ ચમચી, કાજુ-બદામના નાના ટુકડા- અર્ધો કપ, ઇલાયચી પાઉડર- ૧ ચમચી, ખાંડ- જોઈતા પ્રમાણમાં, કિસમિસ-૧ ચમચી, સૂકા નાળિયેરનું કતરણ- ૪-૫ ચમચી.
– રીતઃ (૧) સામાને મિક્સીમાં કરકરો દળી લો.(જો સામો દળવો ના હોય તો ધોઈને આખો સામો દૂધમાં પલાળી શકાય)
(૨) એક બાઉલમાં સામો લઈ તેમાં દૂધ ઉમેરી અડધો કલાક ઢાંકીને રાખી મૂકો. (૩) એક કઢાઈમાં ૪ ચમચી ઘી ગરમ કરી તેમાં ડ્રાય ફ્રૂટના ટુકડા સાંતળી લો. (૪) કિસમિસ અને નાળિયેરનું કતરણ ઉમેરી એકાદ મિનિટ બાદ તરત કાઢી લો. (૫) પછી ઘીમાં ખાંડ ઉમેરી ગેસની મધ્યમ આંચે ખાંડને ઓગળવા દો. ખાંડ બરાબર ઓગળીને ચોકલેટી રંગની થવા આવે એટલે ગેસ બંધ કરી દો. અને તેમાં દૂધમાં પલાળેલો સામો અને દૂધ મેળવી દો. (૬) પછી, ગેસ ચાલુ કરી તેની આંચ ધીમી રાખો. (૭) ચમચાથી મિશ્રણને હલાવીને એકરસ કરી દો. (૮) હવે કઢાઈનું ઢાંકણ ઢાંકી ગેસની આંચ ધીમી રાખી સામાને ચઢવા દો. ૬-૭ મિનિટ બાદ ઢાંકણ ખોલી ચમચા વડે હલાવીને ઢાંકી દો. ૨-૨ મિનિટે ઢાંકણ ખોલી ચમચા વડે હલાવતાં રહો. (૯) મિશ્રણ ઘટ્ટ થવા આવે એટલે તેમાં ડ્રાય ફ્રૂટના ટુકડા, ઇલાયચી પાઉડર, કિસમિસ અને નાળિયેરનું કતરણ ઉમેરી ફરીથી ઢાંકીને થવા દો. (૧૦) બાકીની બધું ઘી તેમાં મેળવી એકાદ મિનિટ બાદ ગેસ બંધ કરી, ઢાંકી રાખો. થોડીવાર પછી આ ફરાળી હલવો પીરસો. ( બીજી મીઠાઈ આવતા બુધવારે..)
sanjogpurti@gmail.com