સાવરકુંડલા તાલુકાના વિજપડી સબડિવિઝન હેઠળ ૫૩ ગામો સમાવિષ્ટ છે. આ સબડિવિઝનનું વિભાજન થવાથી સરકાર પર સમય અને નાણાકીય ખર્ચનું ભારણ વધશે તેમજ વિજપડીના સ્થાનિક વેપાર-ધંધા પર પ્રતિકૂળ અસર પડશે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગામના પૂર્વ સરપંચ યાકુબ રસભર્યાએ પીજીવીસીએલ સત્તાધીશો અને ઉર્જામંત્રીને વિભાજન ન કરવા જાહેર અપીલ કરી છે.
તેમણે જણાવ્યું કે આજના આધુનિક યુગમાં માત્ર વિભાજન જ સમસ્યાનો ઉકેલ નથી; સ્ટાફ, વાહનો અને જરૂરી ટેકનોલોજીકલ સાધન-સગવડો વધારીને પણ ખેડૂતો અને જનતાના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ લાવી શકાય છે. તેમણે યાદ અપાવ્યું હતું કે ૨૦૦૭ થી ૨૦૧૨ દરમિયાન ગામના વિકાસ માટે જ આ સબડિવિઝન અને પરીક્ષા કેન્દ્ર મંજૂર કરાયા હતા. આથી, સબડિવિઝનનું અસ્તિત્વ જાળવી રાખવા તેમણે ગામના અગ્રણીઓને પણ સહયોગ આપવા વિનંતી કરી છે.