વડિયા તાલુકાના મોટી કુંકાવાવ ગામમાં છેલ્લા કેટલાક સમયથી જીઓ કંપનીના મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સ્પીડમાં વારંવાર અડચણો સર્જાતા ગ્રાહકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વારંવાર ઓનલાઈન ફરિયાદો કરવા છતાં કંપની દ્વારા યોગ્ય ઉકેલ લાવવામાં આવતો નથી, જેથી લોકોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે.
વીજ પુરવઠો ખોરવાતા જ મોબાઈલ ટાવરનું નેટવર્ક પણ બંધ થઈ જતું હોવાની ફરિયાદો ઉઠી છે. નેટવર્કની અસ્થિરતાના કારણે સાયબર સુરક્ષા અંગે પણ ગ્રાહકોમાં ચિંતા વ્યાપી છે. મોબાઈલ રીપેરિંગના વેપારીઓ પણ લો કવરેજની સમસ્યા હોવાનું જણાવી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખી જીઓ કંપની તાત્કાલિક યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે અને નેટવર્ક ક્ષતિઓ દૂર કરી કાયમી નિવારણ લાવે તેવી સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે.