સા.કુંડલાના પિયાવા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા આંતરરાષ્ટ્રીય વૃધ્ધ દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગામના વરિષ્ઠ નાગરિકો માટે મફત આરોગ્ય ચકાસણી કેમ્પ યોજવામાં આવ્યો હતો અને આરોગ્ય જાળવણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જાગૃતભાઈ ચૌહાણે વૃધ્ધાવસ્થામાં થતા શારીરિક ફેરફારો તથા માનસિક સ્વાસ્થ્ય અંગે સરળ રીતે સમજણ આપી હતી. તેમણે વૃધ્ધાવસ્થામાં સ્વસ્થ અને તણાવમુક્ત રહેવા માટે રોજિંદા જીવનમાં યોગ અને ધ્યાનનું મહત્વ સમજાવ્યું હતું. ગ્રામજનોએ આ આરોગ્યલક્ષી કાર્યક્રમને બિરદાવ્યો હતો.