ધોરાજીમાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી રી-પ્રોસેસિંગ કરી દાણા બનાવતો ઉદ્યોગ વધતા ઉત્પાદન ખર્ચને કારણે ગંભીર સંકટમાં મુકાયો છે. કાચા માલ, કલર-કેમિકલ, ટ્રાન્સપોર્ટેશન અને વીજળીના દરોમાં ધરખમ વધારો થતાં આશરે ૪૦૦માંથી ૫૦ ટકા જેટલા યુનિટો બંધ થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના એકમો ૨૪ કલાકને બદલે માત્ર ૧૨ કલાક જ ચાલી રહ્યા છે. વૈશ્વિક ભૌગોલિક તણાવ અને ડીઝલની અછતને લીધે ખર્ચ વધ્યો છે, પરંતુ સ્પર્ધાના કારણે તૈયાર માલના ભાવ વધારી ન શકાતાં નફાકારકતા ખોરવાઈ છે. દેશભરનો પ્લાસ્ટિક કચરો સાફ કરવામાં મહત્વની ભૂમિકા ભજવતા આ ઉદ્યોગમાં મંદી આવવાથી ર્સોટિંગ, પેકિંગ અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા ૧૦ હજારથી વધુ કામદારોની રોજગારી જોખમમાં મુકાઈ છે. આ પરિસ્થિતિમાંથી ઉગારવા માટે ઉદ્યોગકારો સરકાર સમક્ષ વીજદરમાં રાહત, સબસિડી, કરમુક્તિ અને નીતિગત સહાય આપવાની તાતી માંગ કરી રહ્યા છે.





































