રાજુલા શહેરની કુમાર શાળા નંબર-૧ ખાતે નાગરિકોને સરકારી યોજનાઓનો સરળતાથી લાભ પહોંચાડવા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. દીપ પ્રાગટ્ય બાદ શાળાના આચાર્ય હિરલબેને ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખ સહિતના મહાનુભાવોનું હનુમાન ચાલીસા આપી સ્વાગત કર્યું હતું. કન્યા શાળા નંબર-૨ની દીકરીઓએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિતોએ સ્વચ્છતાની પ્રતિજ્ઞા લીધી તેમજ આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સગર્ભા માતાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ શિક્ષણ, આરોગ્ય અને વિકાસના કામોમાં સતત તત્પર રહેવાની ખાતરી આપી હતી. રવુભાઈ ખુમાણે સ્વાગત પ્રવચન અને ઘનશ્યામભાઈ વાઘે આભારવિધિ કરી કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.







































