અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના બાંટવા દેવળી મુકામે રસ્તાના વિકાસકામોનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ તેમનું સ્વાગત કર્યુ હતુ. બાંટવા દેવળી ગામથી બરવાળા બાવીસી સુધીના મુખ્ય માર્ગની કનેક્ટિવિટી વધુ સુદ્રઢ બને તે માટે અંદાજે રૂ.૨.૨૫ કરોડના ખર્ચે નવા સી.સી. રોડ અને રોડ રિસર્ફેસિંગના કામો હાથ ધરવામાં આવશે. વિકાસકામ પૂર્ણ થયા બાદ સ્થાનિક વાહનવ્યવહાર વધુ સરળ બનશે અને ચોમાસામાં ગ્રામજનોને પડતી મુશ્કેલીઓમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં વિકાસકામોની ગતિ સતત આગળ વધી રહી છે. રોડ-રસ્તાના નેટવર્કને વધુ આધુનિક બનાવવા સાથે સરકારી પ્રાથમિક શાળાઓના નવા બિલ્ડિંગોનું નિર્માણ કરી શિક્ષણ સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા લોકોની પાયાની જરૂરીયાતોને પ્રાથમિકતા આપી કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોને સિંચાઈનું પુરતું પાણી મળી રહે તે માટે પણ વિવિધ કામગીરી ચાલી રહી છે. જળસંરક્ષણ અભિયાન અંતર્ગત તળાવો ઊંડા ઉતારવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેના પરિણામે ભૂગર્ભ જળસ્તરમાં વધારો થયો હોવાનું જણાવાયુ હતું. બાંટવા દેવળી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયતના હોદ્દેદારો, ગ્રામ પંચાયતના સરપંચ યતિનભાઈ સહિત સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.